કેન્દ્રીય કર્મચારીઓ માટે મોદી સરકાર ગમે ત્યારે ભથ્થા અંગેના સારા સમાચાર સંભળાવી શકે છે. મળતા અહેવાલો મુજબ સચિવોની એક ઉચ્ચકક્ષાની સમિતિ આજે ભથ્થાને લઇને એક બેઠક યોજી શકે છે. કેન્દ્રીય કર્મચારીઓના ભથ્થાને લઇને અશોક લવાસાના વડપણમાં બનેલી સમિતિ ૭મા વેતનપંચ ઉપર પોતાના સમીક્ષા રિપોર્ટને એક મહિના પહેલા જ અરૂણ જેટલીને સોંપી ચુકેલ છે.
આજની બેઠકની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ આજે સચિવોની સમિતિની બેઠક યોજાઇ શકે છે. કેબીનેટ સચિવ પી.કે.સિંહા, ગૃહ મંત્રાલય, કાર્મીક, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ, રેલ્વેના અધિકારી આ બેઠકમાં ભાગ લઇ શકે છે.
આ બેઠકમાં સંશોધિત ભથ્થા પર એરીયર્સ અને બેઝીક વેતનમાં વધારો એમ બે મુખ્ય મુદા છે. હાલ કર્મચારીઓને જુના દરે ભથ્થા મળી રહ્યા છે. જો લવાસા સમિતિની સલાહ સચિવોની સમિતિ માની લ્યે તો રિપોર્ટ અંતિમ સ્વીકૃતિ માટે કેન્દ્રીય કેબીનેટમાં જશે અને ભથ્થા પર લવાસાના રિપોર્ટને મોદી સરકાર સમક્ષ આ સપ્તાહે જ રજુ કરી દેવાશે. ૭માં વેતનપંચે કેન્દ્રીય કર્મચારીઓ માટેના ૧૯૬ ભથ્થાઓમાંથી પર (બાવન) ભથ્થા સમાપ્ત કરવા અને ૩૬ નાના ભથ્થાને મોટા ભથ્થામાં જોડવા જણાવ્યુ હતુ. અશોક લવાસા પેનલની ભલામણો લાગુ થયા બાદ પ૦ લાખ કેન્દ્રીય કર્મચારીઓને લાભ મળશે. આ સિવાય કેન્દ્રીય કર્મચારીઓ માટે ૧૧ ટકા એચઆરએમાં વધારાની ભલામણ પણ થઇ છે. પંચે શહેરો અનુસાર ર થી ૬ ટકા એચઆરએ કાપ મુકવાની પણ વાત જણાવી હતી.