રાજસ્થાન હાઈકોર્ટે આજે એક કેસની સુનાવણી વખતે એવી ભલામણ કરી છે કે ગાયને ‘રાષ્ટ્રીય પ્રાણી’ ઘોષિત કરવું જોઈએ.હાલ ભારતમાં વાઘ રાષ્ટ્રીય પ્રાણી છે.કોર્ટે એમ પણ કહ્યું છે કે ગાયની હત્યા કરનારને આજીવન કેદની સજા થવી જોઈએ.
કતલખાનાઓ માટેના પશુઓનું પશુબજારોમાં વેચાણ કે ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકતા કેન્દ્ર સરકારના નોટિફિકેશન વિરુદ્ધ દેશના બિન-ભાજપ રાજ્યોના અમુક ભાગોમાં વિરોધ-દેખાવો કરવામાં આવ્યા છે તેવામાં રાજસ્થાન હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની ભલામણ કરી છે. કતલખાના માટેના ઢોરોનાં પશુબજારો/મેળાઓમાં વેચાણ-ખરીદી પર પ્રતિબંધ મૂકતા કેન્દ્ર સરકારના નોટિફિકેશનના અમલ સામે મદ્રાસ હાઈકોર્ટે હજી ગઈ કાલે જ સ્ટે ઓર્ડર આપ્યો હતો અને હવે આજે રાજસ્થાન હાઈકોર્ટે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ઘોષિત કરવાની ભલામણ કરી છે. કેરળ, પશ્ચિમ બંગાળ અને કેન્દ્રશાસિત પોડુંચેરીમાં બિન-ભાજપી સરકારો છે. ત્યાં કેન્દ્રના નોટિફિકેશન સામે વિરોધ થયો છે. આઈઆઈટી મદ્રાસ કેમ્પસમાં તો કેટલાક વિદ્યાર્થીઓએ ગયા રવિવારે ગૌમાંસની પાર્ટી રાખી હતી એને કારણે ભાજપના રોષે ભરાયેલા કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા અને દેખાવોએ બાદમાં હિંસક સ્વરૃપ ધારણ કર્યું હતું.
કેન્દ્રના પર્યાવરણ મંત્રાલયે નવા નિયમો દર્શાવતું એક નોટિફિકેશન બહાર પાડયું છે જે અનુસાર કતલખાનામાં લઈ જવા માટે કે કોઈ ધાર્મિક હેતુઓ માટે બલિદાન આપવા પશુબજારોમાં ગાય, બળદ, ઊંટના વેચાણ કે ખરીદી કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.