અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAના મૂન ઓર્બિટરે ચંદ્રના દક્ષિણ ધ્રુવનાએ વિસ્તારની બીજીવખત તસવીરો લીધી છે જે વિસ્તારમાં ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયુ હતુ અને તેનો સંપર્ક તૂટી ગયો હતો. વિજ્ઞાનીઓ આ તસવીરોના આધારે વિક્રમને શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ગત મહિનાની અપેક્ષાએ વધારે અજવાળું
નાસાના મૂન ઓર્બિટર લૂનર રિકોનસેન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવાયેલી આ તસવીરો ગત મહિનાની તસવીરો કરતાં વધારે સ્પષ્ટ છે. LRO પ્રોજેક્ટના વિજ્ઞાની નોઆપેટ્રોએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે LROએ સોમવારે જ્યારે આ તસવીરો લીધી ત્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ગત મહિનાની અપેક્ષાએ વધારે અજવાળું હતું અને પડછાયો ઓછો હતો. આ તસવીરોનું વિશ્લેષણ કરાઈ રહ્યું છે. તેમાં વિક્રમને શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે ગયા ગુરૂવારે ભારતીય અંતરીક્ષ એજન્સી ઇસરોએ ચંદ્રની તસવીર જાહેર કરી હતી. આ તસવીરને ચંદ્રયાન-2 IIRS (ઇમેજિંગ ઇન્ફ્રારેડ સ્પેક્ટ્રોમીટર)એ લીધી હતી.
અસફળ નથી ચંદ્રયાન-2 મિશન
ઇસરોએ સ્પષ્ટતા કરી હતી કે શરૂઆતનાં આંકડાઓ પ્રમાણે આપણા મિશનમાં ફક્ત 2 ટકાની જ ખામી થઈ હતી. 98 ટકા મિશન સફળ રહ્યું છે. તેના આધાર પર જ ઇસરો ચીફ ડૉક્ટર કે.સિવને લોકો સાથે આ વાત કરી હતી. ત્યારે ઇસરો ચીફ ડૉ. કે.સિવને કહ્યું હતુ કે એનઆરસીની સંપૂર્ણ તપાસ બાદ અમે ઑર્બિટરથી મળેલા તમામ ડેટા અને તસવીરો લોકો માટે જાહેર કરીશું. રિવ્યૂ કમેટી એનઆરસી હજુ પણ ચંદ્રયાન-2નાં વિક્રમ લેન્ડરની ખરાબ લેન્ડરનાં આંકડા અને તસવીરોની તપાસનું કામ કરી રહી છે.