ચક્રવાત તાઉતે ગુજરાતમાં ભારે તારાજી સર્જ્યા બાદ નબળું પડ્યુ હોવાના સંકેત મળ્યા છે. 18 મે ભારતના હવામાન વિભાગે મંગળવારે જણાવ્યુ હતું કે, ચક્રવાત તાઉ તે સોમવારની મધરાતે સૌરાષ્ટ્રના દીવ અને ઉનાના બીચ તથા ગુજરાતના તટિય વિસ્તારમાં ટકરાયા બાદ વાવાઝોડુ નબળુ પડ્યુ છે. રાજ્યના અધિકારીઓએ જણાવ્યુ છે કે, તાઉતના કારણે કોઈ જાનહાનીના ખબર નથી, અને આ વાવાઝોડુ હવે થોડુ નબળુ પડ્યુ છે.
રાજસ્થાન અને યુપીના વિસ્તારોમાં આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે કલાકની અંદર યુપી, હરિયાણા અને રાજસ્થાનના અમુક વિસ્તારમાં હલ્કાથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાત માથે થોડી રાહત થઈ છે.
જોધપુરમાં હાઈએલર્ટ, 117 લોકોને મકાન ખાલી કરાવા આદેશ
વાવાઝોડાના કારણે રાજસ્થાનમાં અસર વર્તાવાની સંભાવના છે. જેને ધ્યાને રાખીને પ્રશાસન એલર્ટ મોડમાં આવી ગયુ છે. તાઉ તે વાવાઝોડાને જોતા જોધપુર શહેરમાં 72 કલાકનું હાઈ એલર્ટ આપવામાં આવ્યુ છે. નગરપાલિકાએ અહીં જર્જરિત ઈમારતોનું તાત્કાલિક સર્વે કરીને 116 લોકોને નોટિસ ફટકારી તાત્કાલિક મકાનો ખાલી કરવાનો આદેશ આપી દીધો છે.
હવામાન વિભાગે મધરાતે એક ટ્વિટ કરીને જણાવ્યુ હતું કે, રાજ્યમાં અતિ ગંભીર હાલતમાં હવે ગંભીર વાવાઝોડુ રહ્યુ છે. જેથી અનુમાન છે કે, વાવાઝોડુ ઘણા બધા અંશે નબળુ પડ્યુ છે. વિભાગે ટ્વિટ કરીને જણાવ્યુ છે કે, વાવાઝોડુ તટિય વિસ્તારમાંથી પસાર થઈ ચુક્યુ છે, તેનો પાછળનો ભાગ જમીની સ્તરથી આગળ વધી રહ્યો છે.
ભીષણ વાવાઝોડુ સોમવારે રાતે લગભગ 9 વાગ્યાની આસપાસ ગુજરાતભર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના તટિય વિસ્તારમાં ટકરાયુ હતું. આ અગાઉ વાવાઝોડાના કારણે મુંબઈમાં ભારે વરસાદ અને ગુજરાતમાં લગભગ 2 લાખ જેટલા લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડી દેવામાં આવ્યા હતા.
ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ
લક્ષદ્વિપ પાસે અરબી સમુદ્રમાં ગત શુક્રવારે સર્જાયેલું તાઉતે ચક્રવાત દરિયામાં સિવિયર, વેરી સિવિયર અને આજે રાત્રે એક્સ્ટ્રીમલી સિવિયર બનીને મહાવિનાશક, ભયાનક તાકાત સાથે તે સૌરાષ્ટ્રના ઉના, દિવના દરિયા પાસે ત્રાટક્યું છે . વાવાઝોડાનો છેડો દિવને સ્પર્શ થયો ત્યાં મોડી સાંજથી જ કલાકના ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા લાગતા અને મુશળધાર વરસાદ તૂટી પડતા વિજપૂરવઠો બંધ કરી દેવાયો છે. આ સાથે જ સૌરાષ્ટ્રના ખાસ કરીને ઉના, વેરાવળ, અમરેલી આસપાસના સાગર કાંઠાના ગામોમાં પ્રચંડ વાવાઝોડાની વિનાશક અસરો વર્તાઈ હતી .લાંબા અરસા બાદ પ્રથમવાર પ્રચંડ શક્તિશાળી વાવાઝોડુ કે જે સમગ્ર ગુજરાતમાં પસાર થતી વખતે નબળુ પડીને ડીપ્રેસનમાં ફેરવાતું નથી પરંતુ, વાવાઝોડા તરીકે જ પસાર થનાર હોય તંત્ર હાઈએલર્ટ પર રખાયું છે.
સૌરાષ્ટ્રના દરિયામાં ૨થી ૪ મીટર ઉંચા મોજા ઉછળ્યા હતા અને બંદરો પર ‘સૌથી મોટો ખતરો’ (ગ્રેટ ડેન્જર) સૂચવતા સિગ્નલ નં.૧૦ દિવ, વેરાવળ, જાફરાબાદ, પીપાવાવ, વિક્ટર બંદર ઉપર, જ્યારે સિગ્નલ નં.૯ અલંગ, ભાવનગર, દહેજ, ભરૂચ, દમણ વગેરે બંદરો પર તથા પોરબંદર, ઓખા, સિક્કા, બેડી, નવલખી, ન્યુ કંડલા, માંડવી, જખૌ વગેરે બંદરો ઉપર પણ ૮ નંબરના સિગ્નલ લગાવાયા છે. તમામ માછીમારોની બોટ દરિયાકિનારે લાંગરી દેવાઈ છે. દરિયાએ રાત્રે ભારે રૌદ્ર રૃપ ધારણ કર્યું હતું.