ભાજપના નેતાઓની ખાસ કરી નરેન્દ્ર મોદીની સભામાં હજારોની સંખ્યામાં લોકો પહોચે છે. ભાજપી નેતાઓ તેને નરેન્દ્ર મોદીના જુવાળ તરીકે ઓળખાવે છે, પણ ગત 15 મે ના રોજ મધ્યપ્રદેશના અમરકંટક ખાતે નર્મદા સેવાયાત્રાના સમાપન સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવ્યા હતા. સમારંભ માટે 33 જિલ્લામાંથી 46 હજાર લોકોને લાવવામાં આવ્યા હતા, જેમને સરકારી તીજોરીમાંથી 2.32 કરોડ રૂપિયા ચુકવવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે રાજકિયપક્ષો દ્વારા આ પ્રકારની ભીડ એકત્ર કરવા માટે પૈસા ચુકવવામાં આવે છે તે વાત હવે ખાનગી રહી નથી, પણ મધ્યપ્રદેશની ભાજપ સરકારે હદ તો ત્યારે કરી નાખી જયારે તેમણે વડાપ્રધાન મોદીની સભા માટે રાજયની સરકારી તીજોરીમાંથી પ્રવાસ ભથ્થાના નામે પૈસા ચુકવ્યા હતા. મધ્ય પ્રદેશ સરકારે સભામાં આવનાર કુલ 46500 વ્યક્તિઓને સ્વચ્છ ભારત મિશનના એકાઉન્ટ નંબર 63100001003239માંથી 23250000 રૂપિયા પ્રવાસ ભથ્થા તરીકે ચુકવ્યા હતા.
મધ્યપ્રદેશનો દાવો હતો કે આ તમામ લોકો સ્વચ્છ ભારત મિશન માટે કામ કરતા પ્રચારકો છે. પરંતુ અમરકંટકમાં સ્વચ્છ ભારત મિશનનો કોઈ કાર્યક્રમ ન્હોતો. આમ રાજકિય હેતુસર ભીડ એકત્ર કરવા માટે સરકારી તિજોરીમાંથી પૈસા ચુકવવામાં આવ્યા હોવાનો આ પહેલો કિસ્સો છે.