ગુજરાતભરમાં આજથી એટલે કે લાભ પાંચમના શુભ મહૂર્તે ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે. રાજ્યભરમાં 145 જેટલા કેન્દ્ર ઉપર ટેકાના ભાવથી મળફળીની ખરીદી થશે. આ માટે રાજ્યભરના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.
જેતપુરની વાત કરીએ તો ખરીદી કેન્દ્ર ઉપર 7500 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું. આજે તંત્ર દ્વારા મુરતમાં 20 જેટલા ખેડૂતોને બોલાવીને ખરીદીની શરૂઆત કરી. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર મગફળીનો ગ્રેડ નક્કી કરીને એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદશે. પરંતુ કેટલાક કેન્દ્ર પર ખેડૂતોની પાંકી હાજરી જોવા મળી છે. માવઠાના કારણે ખેતરમાં ખેડૂતોની મગફળીને ભારે નુકસાન થતા ખૂબજ ઓછી સંખ્યામાં મગફળી વેચવા આવ્યા હતા. હજુ પણ ખેતરમાં પલળેલી મગફળી જોઈ ખેડૂતો નિરાશ છે. બનાસકાંઠા, જૂનાગઢ, અમરેલી, અરવલ્લી, સાબરકાંઠાના ખેડૂતો પાકને નુકસાન થતા નિરાશ છે.
સાબરકાંઠાના ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થઈ છે. પરંતુ ત્યાં પણ તમામ 6 કેન્દ્રો પર ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી. મગફળી વેચવા માટે માત્ર 5થી 7 ખેડૂતો જ આવ્યા. જ્યારે લગભગ 21,124 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જોકે મગફળીની ઓનલાઇન ખરીદી પણ શરૂ થઈ છે. જેમાં માટે લગભગ 53 કર્મચારીઓ કામે લાગ્યા છે. જૂનાગઢની વાત કરીએ તો ટેકાના ભાવે મગફળી ખરીદીમાં માવઠું વિલન બન્યું છે. પાછોતરા વરસાદથી મગફળી પાકને ભારે નુકસાન થયું છે. ખેતરમાં હજુ પાણી ભરાયા હોવાથી મગફળી કાઢવામાં મુશ્કેલી થઈ રહી છે. આજથી યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ થઈ પરંતુ પાકને નુકશાન થતા યાર્ડમાં એકપણ ખેડૂત નહિ આવ્યા. મગફળી ખરીદી માટે 15 ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા.