સુપ્રીમ કોર્ટે એક વ્યક્તિને પોતાની પત્નીના દહેજના મૃત્યુના આરોપોમાંથી મુક્ત કર્યો હતો. ટ્રાયલ કોર્ટ અને હાઈકોર્ટે આ કેસમાં તેને 10 વર્ષની જેલની સજા ફટકારી હતી. જસ્ટિસ યુયુ લલિત, વિનીત શરણ અને એસ રવિન્દ્ર ભટ્ટની ખંડપીઠે જણાવ્યું હતું કે અભિયોજન પક્ષ ઈપીસીની કલમ 304-બી (દહેજ મૃત્યુ) અને 498-એ (દહેજ વિરોધી કાયદા) હેઠળ આરોપો સાબિત કરવામાં નિષ્ફળ રહ્યો છે.
અરજદારને શંકાનો લાભ મળે છે. સુપ્રીમ કોર્ટે 9 ડિસેમ્બર, 2019ના રોજ છત્તીસગઢ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો. અભિયોજન પક્ષના જણાવ્યા અનુસાર, પતિ-પત્ની દોઢ વર્ષ સુધી સાથે રહ્યાં હતાં. પત્નીએ 2 ઓક્ટોબર, 1998ના રોજ આગ લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. મૃત્યુ સમયે પત્નીએ જણાવ્યું કે આગ લાગવાનું તાત્કાલિક કારણ તેના પતિ સાથે ઘરેલુ વિખવાદ હતો. બચાવ પક્ષના વકીલે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે પત્નીએ પોતાની જાતને આગ ચાંપી દીધી હતી. કેટલાક સાક્ષીઓના અસ્પષ્ટ નિવેદનોને આધારે તેને દહેજ મૃત્યુનો કેસ ગણી શકાય નહીં.