વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીથી જયપુર જતા લોકોને આજે એક ખાસ ભેટ આપી છે. PMએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવેના 246 કિલોમીટર લાંબા દિલ્હી-દૌસા-લાલસોટ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું. આ એક્સપ્રેસ વે ખુલવાને કારણે હવે લોકો પાંચ કલાકના બદલે સાડા ત્રણ કલાકમાં જયપુર પહોંચી શકશે.
કેન્દ્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત મોટું રોકાણ કરી રહ્યું છે
રાજસ્થાનના દૌસામાં એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતા પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા 9 વર્ષથી કેન્દ્ર સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત મોટું રોકાણ કરી રહી છે. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર રાજસ્થાન અને દેશ માટે પ્રગતિના બે મજબૂત સ્તંભ બનવા જઈ રહ્યા છે.
આધુનિક રસ્તાઓ દ્વારા દેશની પ્રગતિ
પીએમ મોદીએ કહ્યું કે જ્યારે આવા આધુનિક રસ્તાઓ, રેલ્વે સ્ટેશન, એરપોર્ટ, મેટ્રો બને છે ત્યારે દેશ આગળ વધે છે. મોદીએ કહ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ અન્ય પ્રકારના રોકાણને પણ આકર્ષે છે. તેમણે કહ્યું કે આ વર્ષના બજેટમાં અમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 10 લાખ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. આ રકમ 2014માં જોગવાઈ કરવામાં આવેલી રકમ કરતાં પાંચ ગણી છે અને રાજસ્થાનને આ રોકાણથી ઘણો ફાયદો થવાનો છે.