દેશના અનેક રાજયોમાં હિંસક દેખાવો થઇ રહ્યા છે. કયાંક ખેડુતો દેખાવો કરી રહ્યા છે તો કયાંક ભાષાની રાજનીતિએ હિંસક સ્વરૂપ લીધુ છે. પ.બંગાળમાં મમતા બેનર્જીએ સમગ્ર બંગાળમાં શાળાઓમાં બંગાળી ભણાવવાને ફરજીયાત કરતા તે સામે દેખાવો હિંસક બન્યા છે. સ્થિતિ ઉપર નિયંત્રણ કરવા માટે આર્મી તૈનાત કરવામાં આવી છે.
રાજય સરકારની માંગણી બાદ કેન્દ્ર સરકારે આર્મીની બે ટુકડી મોકલી છે અને દરેક ટુકડીમાં ૮૦ જવાન છે. અત્રે એ નોંધનીય છે કે, સમગ્ર બંગાળમાં શાળાઓમાં બંગાળી ભણાવવાને ફરજીયાત કરવા અને મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુલાકાતની વિરૂધ્ધ ગોરખા જનમુકિત મોરચાએ સમગ્ર પહાડી વિસ્તારમાં દેખાવો શરૂ કર્યા છે. જેને રોકવા પોલીસે અશ્રુવાયુ છોડયા હતા. ઉગ્ર દેખાવોને કારણે અનેક પ્રવાસીઓ ફસાઇ ગયા છે.
ગોરખા જનમુકિત મોરચાની માંગણી છે કે, નેપાળીને ભાષાના સ્વરૂપમાં ભણાવવામાં આવે કે જરૂર હોય તો હિન્દી ભણાવવામાં આવે પરંતુ ગોરખા જનમુકિત મોરચો મમતાના આ નિર્ણયની વિરૂધ્ધમાં છે. તેના હજારો સમર્થકો કાળા ઝંડાની સાથે શેરીઓમાં ઉતરી પડયા હતા. મમતાના વિરૂધ્ધમાં પુતળુ પણ બાળવામાં આવ્યુ હતુ. દેખાવો બેકાબુ બનતા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો અને જવાબમાં દેખાવકારોએ પથ્થરમારો કર્યો હતો.