આ સમયે કરેલુ નાનું રોકાણ તમને વૃદ્ધાવસ્થામાં કામ આવી શકે છે. પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના (Pradhan Mantri Shram Yogi Maandhan Yojana) અંતર્ગત સરકારે નાની ઉંમરના લોકો માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. જો તમે આ યોજનામાં દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરો છો, તો 60 વર્ષની વય પછી, તમારા પેન્શનની વ્યવસ્થા કરવામાં આવશે. આ યોજના અંતર્ગત 60 વર્ષ પછી દર મહિને 3000 રૂપિયા પેન્શનની જોગવાઈ છે. આ યોજનામાં રોકાણ કર્યા પછી, તમારે 60 વર્ષની વય પછી કોઈના પર નિર્ભર નહી રહેવું પડે. યોજનામાં અત્યાર સુધીમાં 39 લાખથી વધુ નોંધણીઓ થઈ ચૂકી છે.
કેવી રીતે આ યોજના કરશે કામ:
- કોઈપણ ભારતીય નાગરિક પીએમ શ્રમ યોગી માનધન યોજનામાં જોડાઈ શકે છે. આ માટે, તેની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
- કોઈપણ વ્યક્તિ કે જે આ યોજના સાથે જોડાવા માંગે છે, તેની માસિક આવક 15,000 થી વધુ ન હોવી જોઈએ.
- જો પેન્શન મેળવવા દરમિયાન લાભાર્થી કોઈ કારણસર મૃત્યુ પામે છે, તો પછી પેન્શન તરીકે તેની પત્નીને 50% પેન્શન આપવાની જોગવાઈ છે.
આ યોજનામાં જુદી જુદી ઉંમર અનુસાર ફાળો આપવો પડશે:
- જો કોઈ 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે, તો તેણે દર મહિને 55 રૂપિયા જમા કરાવવા પડશે. એ જ રીતે, 29 વર્ષીય વયના માટે, આ રકમ 100 રૂપિયા છે. જ્યારે 40 વર્ષની વયના લોકોએ 200 રૂપિયા ફાળો આપવો પડશે.
આ રકમ 60 વર્ષની વય સુધી જમા કરવાની રહેશે. પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન પેન્શન યોજના માટે નોંધણી કરવા માટે, સૌ પ્રથમ તમારે નજીકના સીએસસી કેન્દ્રમાં જવું પડશે. આ પછી, આધાર કાર્ડ અને બચત ખાતા અથવા જન ધન એકાઉન્ટ વિશેની માહિતી જે તમારી પાસે છે તે આઇએફએસસી કોડ સાથે આપવામાં આવશે. જણાવી દઇએ કે તમે તમારી પાસબુક, ચેકબુક અથવા બેંક સ્ટેટમેન્ટ પ્રૂફ તરીકે બતાવી શકો છો. ખાતું ખોલતી વખતે તમે નોમિનીની નોંધણી પણ કરી શકો છો. કમ્પ્યુટર પર તમારી વિગતો દાખલ થયા પછી, તમને માસિક યોગદાનની માહિતી જાતે મળશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારે રોકડના રૂપમાં તમારું પ્રારંભિક યોગદાન આપવું પડશે. આ પછી તમારું ખાતું ખોલવામાં આવશે, તમને શ્રમ યોગી કાર્ડ મળશે. તમે આ યોજના વિશે વધુ માહિતી 1800 267 6888 ટોલ ફ્રી નંબર પર મેળવી શકો છો.