ભારત સરકાર અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB)એ આજે “કોવિડ-19 સક્રિય પ્રતિભાવ અને ખર્ચ સહાય કાર્યક્રમ” અંતર્ગત ભારતને કોવિડ-19 મહામારીના કારણે ગરીબ અને નિઃસહાય પરિવારો પર થતા વિપરિત પ્રભાવો સામે પ્રતિક્રિયા આપવા માટે વધુ મજબૂત બનાવવાના આશયથી 5,718 કરોડ રુપીયાની મદદ માટે સમજૂતી કરાર કર્યો છે. AIIB તરફથી ભારતને આ પ્રકારની પ્રથમ અંદાજપત્રીય સહકાર કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
આ કરાર પર ભારત સરકાર વતી ભારતના નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ સમીરકુમાર ખારે અને AIIB વતી મહા નિદેશક (કાર્યરત) રજત મિશ્રા દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
ખારેએ જણાવ્યું હતું કે, “કોરોના વાયરસ મહામારીના ફેલાવાના કારણે મહિલાઓ સહિત નિઃસહાય લોકોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઇ કરીને તેમને સામાજિક સહકાર આપવા માટે ભારત સરકારની તાકીદની પ્રતિક્રિયા અને સંગઠિત તેમજ અનૌપચારિક બંને ક્ષેત્રોમાં અસરગ્રસ્ત કામદારોને સામાજિક સુરક્ષા આપવા માટેના પગલાંમાં વૃદ્ધિ કરવા માટે ભારત સરકારને આ મદદ આપવા બદલ અમે AIIBનો આભાર વ્યક્ત કરીએ છીએ. AIIB દ્વારા સમયસર આપવામાં આવેલી સહાય સરકારના કોવિડ-19ના તાત્કાલિક પ્રતિક્રિયા કાર્યક્રમના અસરકારક અમલીકરણમાં ખૂબ સારું યોગદાન આપશે.”
આ કાર્યક્રમ ભારત સરકારને કોવિડ-19ના કારણે ઉભી થયેલી ગંભીર સામાજિક અને આર્થિક વિપરિત અસરો ઓછી કરવામાં મદદરૂપ થશે. વર્તમાન લોન ભારતને AIIB તરફથી કોવિડ-19 કટોકટીમાંથી રિકવરી સુવિધા અંતર્ગત મળેલી બીજી સહાય છે તે ઉપરાંત અગાઉ કોવિડ-19 તાત્કાલિક પ્રતિક્રિયા અને આરોગ્ય વ્યવસ્થાતંત્ર તૈયારી પરિયોજના માટે 3,812 કરોડ રુપીયાની લોન મંજૂર કરવામાં આવી હતી.
પ્રાથમિક કાર્યક્રમ લાભાર્થીઓ ગરીબી રેખા નીચે જીવતા પરિવારો, ખેડૂતો, આરોગ્ય સંભાળ કામદારો, મહિલાઓ, મહિલાઓના સ્વ સહાય સમૂહો, વિધાવાઓ, દિવ્યાંગ લોકો, વરિષ્ઠ નાગરિકો, ઓછી આવક ધરાવતા વેતનદારો, બાંધકામના શ્રમિકો અને અન્ય નિઃસહાય સમૂહો રહેશે.
AIIBના વાઇસ-પ્રેસિડેન્ટ (રોકાણ ઓપરેશન્સ) ડી.જે. પાંડિયને જણાવ્યું હતું કે, AIIBનો ભારતને સહકાર આર્થિક મજબૂતી સુનિશ્ચિત કરવા અને દેશના અર્થતંત્રમાં માનવ મૂડી સહિત ઉત્પાદક ક્ષમતામાં લાંબાગાળાનું નુકસાન રોકાવાના ઉદ્દેશ્યથી છે.
આ પ્રોજેક્ટને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) અને એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB) દ્વારા 17,156 કરોડ રુપીયાની રકમથી ધિરાણ કરવામાં આવી રહ્યું છે જેમાંથી 5,718 કરોડ રુપીયા AIIB દ્વારા અને 11,437 કરોડ રુપીયા ADB દ્વારા પૂરા પાડવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટનો અમલ નાણાં મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગ દ્વારા વિવિધ સંબંધિત મંત્રાલયોને સાથે રાખીને કરવામાં આવશે.
એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) બહુપક્ષીય વિકાસ બેંક છે જેનું મિશન એશિયામાં સામાજિક અને આર્થિક પરિણામોમાં સુધારા લાવવાનું છે અને તેની કામગીરીની શરૂઆત જાન્યુઆરી 2016માં થઇ હતી. AIIBએ હવે સમગ્ર દુનિયામાં 102 માન્યતા પ્રાપ્ત સભ્યો સાથે વિસ્તરણ કર્યું છે.