મહારાષ્ટ્રમાં, યવતમાલ જિલ્લાના મહાગાંવ તાલુકામાં ભારે વરસાદ બાદ પૂરમાં ફસાયેલા તમામ 65 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. અધિકારીઓએ શનિવારે જણાવ્યું કે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અહીં બચાવ કાર્યમાં લાગેલી છે. આ સાથે ભારતીય વાયુસેનાના બે Mi-17 હેલિકોપ્ટર પણ બચાવ અભિયાનમાં જોડાયા હતા અને ગામમાં પૂરના કારણે ફસાયેલા તમામ લોકોને બચાવ્યા હતા.
નાગપુરથી લગભગ 150 કિલોમીટર દૂર જિલ્લામાં શુક્રવાર સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને લોકોને ઘર છોડવું પડ્યું છે. મહારાષ્ટ્ર સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે.
આ પહેલા રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે મહાગાંવ તાલુકાના આનંદનગર ગામમાં પૂરના કારણે 45 લોકો ફસાયા છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર ટૂંક સમયમાં નાગપુર પહોંચશે અને ત્યાંથી ફસાયેલા ગ્રામજનોને બચાવવા માટે મહાગાંવ માટે રવાના થશે. તેમણે જણાવ્યું કે મહાગાંવ તાલુકામાં 231 મીમી વરસાદ નોંધાયો હતો.
બીજી બાજુ, સંરક્ષણ પીઆરઓ નાગપુર વિંગ કમાન્ડર રત્નાકર સિંહે એક નિવેદનમાં જણાવ્યું હતું કે યવતમાલમાં પૂરને કારણે ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે નાગપુરથી એક Mi-17 V5 હેલિકોપ્ટરને સામેલ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ, જિલ્લા અધિકારીઓના જણાવ્યા અનુસાર, યવતમાલ શહેરમાં શુક્રવાર રાતથી ભારે વરસાદ થઈ રહ્યો છે, જેના કારણે શહેરના કેટલાક ભાગોમાં ઘરો અને રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે.
કલેક્ટર અમોલ યેગેએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને શહેરમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે, જેમાં શુક્રવાર રાતથી અત્યાર સુધીમાં 117.5 મીમી વરસાદ નોંધાયો છે. તેમણે કહ્યું કે રાજ્ય ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) ની એક બચાવ ટીમ આનંદનગર ગામમાં બચાવ કામગીરી કરવા મહાગાંવ જઈ રહી છે.
બીજી તરફ, પ્રાદેશિક હવામાન વિભાગે મહારાષ્ટ્રના પાલઘર, થાણે, મુંબઈ, રાયગઢ, રત્નાગિરી અને સિંધુદુર્ગ સહિતના કેટલાક જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.