મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં ગુરુવારે સાંજે છત્રપતિ શિવાજી ટર્મિનસ સ્ટેશન પાસે આવેલા ફૂટ ઓવર બ્રિજ અચાનક તૂટી પડ્યું હતું. પ્રાથમિક જાણકારી પ્રમાણે સીએસટી સ્ટેશન પાસે ફૂટ ઓવર બ્રિજ પડવાના કારણે પાંચ લોકો મોતને ભેટ્યા છે.
આ ઘટનામાં 30 કરતાં પણ વધુ લોકોને ઈજા પહોંચી છે, જે પૈકી ચારથી પાંચ લોકોની સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બ્રિજના કાટમાળ નીચે હજુ પણ લોકોના દબાયા હોવાની આશંકા સેવવામાં આવી રહી છે.
આ ઘટના સાંજે 7.30 વાગ્યાની આસપાસ બની હતી. પીક અવર્સ હોવાના કારણે પુલની નીચે મોટી સંખ્યામાં લોકો હતા. આંખે જોનારા લોકોએ કહ્યું કે અનેક લોકો બ્રિજની નીચે દબાયા છે અને કેટલાક વાહનોનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો છે.
ઘટનાની જાણ થતાં એનડીઆરએફ, રેલવે અને મુંબઈ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ઈજાગ્રસ્તોને સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ અને ગોકુલદાશ તેજપાલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલમાં તબીબોએ ત્રણ જણાને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલો લોકોની ઓળખ અપૂર્વા, રંજના તાંબે અને સિરાજ ખાન તરીકે થઈ છે. અપૂર્વા અને રંજા જીટી હોસ્પિટલમાં નર્સ હતી. બન્ને મહિલાઓ ડ્યુટી પરથી પોતાના ઘરે પરત ફરી રહી હતી.