હવે તમારા કમ્પ્યુટર ડેટાની તપાસ માટે સરકારી એજન્સીઓ ગમે ત્યારે તમારા દ્વાર પર આવી શકે. કેન્દ્રની મોદી સરકારે એક આવો જ આદેશ કર્યો છે. 20 ડિસેમ્બર, 2018 ના રોજ ગૃહ મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આ આદેશમાં કેટલીક એજન્સીઓને આ અધિકાર આપવાનું કહેવામાં આવ્યું છે કે તેઓ ઇન્ટરસેપ્શન, મોનિટરિંગ અને ડિક્રીપ્શનના હેતુથી કોઈ પણ કોમ્પ્યુટરનો ડેટા ચેક કરી શકે છે.
ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા અને સૂચના વિભાગ દ્વારા ઇન્ફોર્મેશન ટેક્નોલૉજી એક્ટ સેક્શન 69 (1) હેઠળ એજન્સીઓને આ અધિકાર આપવામાં આવ્યો છે. આટલું જ નહીં મંત્રાલયની તરફથી રજૂ કરાયેલા આદેશોમાં એ 10 એજન્સીઓની સૂચી પણ છે, જે તમારા કમ્પ્યુટરની ગમેત્યારે તપાસ કરી શકે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 10 કેન્દ્રીય એજન્સીઓને દેશમાં ચાલી રહેલા કોઈપણ કોમ્પ્યુટરમાં જાસૂસી કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ દેશની આ સુરક્ષા એજન્સીઓ કોઈપણ વ્યક્તિના કોમ્પ્યુટરમાં જનરેટ, ટ્રાન્સમિટ, રિસીવ અને સ્ટોર કરવામાં આવેલા કોઈપણ દસ્તાવેજને જોઈ શકે છે. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ ઈન્ટેલિજન્સ બ્યૂરો, નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ઈડી, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ, ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ, સીબીઆઈ, એનઆઈએ, કેબિનેટ સેક્રેટરિયેટ-રૉ, ડાયરેક્ટર ઓફ સિગ્નલ ઈન્ટેલિજન્સ અને દિલ્હી પોલીસના કમિશનરને દેશમાં ચાલનારા તમામ કોમ્પ્યુટરની જાસૂસીની મંજૂરી આપવામાં આવી છે.