દેશભરમાં ભારે ચકચાર જગાવનાર મોહાલીમાં યુનિવર્સિટીમાં હોસ્ટેલમાં રહી ભણતી વિદ્યાર્થીનીઓનો સ્નાન કરી રહેલો વીડિયો વાઇરલ થયા બાદ ભારે હોબાળો મચી જતા યુનિવર્સિટીમાં વર્ગો છ દિવસ માટે બંધ કરવામાં આવ્યા હતા. આ મામલાથી ગભરાઈ ગયેલી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ છોડવાનું ચાલુ કરી દીધું છે. તેમનાં માતા-પિતા પોતાની પુત્રીઓને ઘરે લઈ જતા રહયા છે.
હિમાચલ પોલીસે મોડી રાત્રે આ પ્રકરણમાંમાં આરોપી બે યુવકની ધરપકડ કરી છે, જેમાં યુવતીએ જે યુવકની તસવીર બતાવી હતી તે શિમલાના ઢલીમાંથી ઝડપાયો હતો. તેનું નામ રંકજ વર્મા છે, જ્યારે અન્ય આરોપી સની મહેતાની રોહડુમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલાં પણ વીડિયો બનાવનાર યુવતીની પંજાબ પોલીસે ધરપકડ કરી હતી.
યુવતી પણ શિમલાના રોહરુની રહેવાસી છે.
આરોપ છે કે યુવતીએ પોતાની સાથે રહેતી યુવતીઓનો નાહતા સમયની 50-60 વીડિયો ક્લિપ્સ રેકોર્ડ કરી અને તેણે શિમલામાં રહેતા તેના બોયફ્રેન્ડને મોકલી હતી. આ પછી તે યુવકે કથિત રીતે વીડિયો ક્લિપ્સ સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી. આ મામલે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે.
યુનિવર્સિટી પ્રશાસને હોસ્ટેલના બે વોર્ડનને સસ્પેન્ડ કરી દીધા છે.