દેશમાં દર મહિનાની 1લી તારીખે રાંધણગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરવામાં આવે છે. આ વખતે પણ એલપીજી ગેસના સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરાયો છે જો કે આ વખતે માત્ર કોમર્શિયલ એલપીજી ગેસના ભાવ વધ્યા છે. જ્યારે ઘરેલુ ઉપયોગ માટેના રાંધણગેસની કિંમતો સ્થિર રહી છે.
ભારતીય ઑયલ માર્કેટિંગ કંપનીઓએ ફેબ્રુઆરી મહિના માટે ઘરેલૂ ગેસની કિંમત (LPG Gas Cylinder Price Today) જારી કરી દેવામાં આવ્યા છે. સબસિડી વિના સિલિન્ડરની કિંમતમાં વધારો નથી થયો. એટલે કે તે જૂની કિંમત 694 રૂપિયામાં જ ઉપલબ્ધ છે. આ રેટ દિલ્હી માટે છે. આ સાથે જ, 19 કિલો વાળા કમર્શિયલ સિલિંડરની કિંમતમાં 191 રૂપિયાનો વધારો થયો છે. એટલે કે 1349 રૂપિયામાં મળતો સિલિન્ડર હવે 1540 રૂપિયામાં મળશે. એજન્સી દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, પાંચ કિલો વાળા LPG સિલિન્ડરની કિંમત 445 રૂપિયા છે.
ઉલ્લેખનિય છે કે, ડિસેમ્બરમાં રાંધણ ગેસ એટલે કે LPG સિલિન્ડરની કિંમતોમાં બે વાર વધારો થયો હતો. નવેમ્બરમાં 594 રૂપિયાથી વધારીને એક ડિસેમ્બરે તેનો રેટ 644 કરવામાં આવ્યો અને 15 ડિસેમ્બરે એક વાર ફરી તેની કિંમત 694 રૂપિયા કરી દેવામાં આવી. એટલે કે એક મહિનાની અંદર 100 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો. તે બાદ જાન્યુઆરીમાં તેલ કંપનીઓએ LPGની કિંમત સ્થિર રાખી અને હવે એકવાર ફરી LPGની કિંમતમાં વધારો નથી કરવામાં આવ્યો, જે ઉપભોક્તાઓ માટે રાહતની વાત છે.