સુપ્રીમ કોર્ટે આજે સ્પષ્ટ કર્યું કે રાફેલ ડીલ અંગે રજૂ થયેલા તથ્યો પર વિચાર કરતા પહેલાં કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ અંગે નિર્ણય કરશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ, જસ્ટીસ સંજય કિશન કૌલ અને જસ્ટીસ એમ.જોસેફની બેન્ચે કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા વાંધાઓ અંગેની સુનાવણી પૂર્ણ કરી હતી. કેન્દ્ર સરકારે કહ્યું હતું કે કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરનારા અરજદારોએ ગેરકાયદે વિશિષ્ટ ગોપનીય દસ્તાવેજો હાસલ કર્યા છે અને તેને રાફેલ ડીલ અંગે આધાર બનાવી શકાય નહીં. આ અંગે હવે પછી માલૂમ પડશે કે સુપ્રીમ કોર્ટ ક્યારે આ અંગે આદેશ આપે છે.
રાફેલ અંગે અરજી દાખલ કરનારા અરજદારોને સુપ્રીમ કોર્ટ કહ્યું કે સૌ પ્રથમ તો લીક થયેલા દસ્તાવેજો અંગે ધ્યાન આપવામાં આવે. બેન્ચે કહ્યું કે કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાઓ અંગે નિર્ણય કર્યા બાદ જ આગળની કાર્યવાહી કરવી કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવશે.
કેસની સુનાવણી દરમિયાન અટોર્ની જનરલ એસ.વેણુગોપાલે ફ્રાન્સ સાથે થેયલા રાફેલ સોદા સંબંધિત દસ્તાવેજો પર વિશેષાધિકારનો દાવો કર્યો અને કહ્યું કે સંબંધિત વિભાગની મંજુરી વિના કોઈ પણ આ દસ્તાવેજોને કોર્ટમાં રજૂ કરી શકતો નથી. વેણુગોપાલે પોતાના દાવાના સમર્થનમાં સાક્ષ્ય કાનુનની કલમ 123 અને આરટીઆઈ એક્ટનો હવાલો ટાંક્યો હતો.
વેણુગોપાલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંકળાયેલા કોઈ પણ દસ્તાવેજને કોઈ પણ પ્રકાશિત કરી શકતો નથી, કારણ કે સુરક્ષા સૌથી સર્પોપરી છે. અરજદારો પૈકીના એક એવા પ્રશાંત ભૂષણે કહ્યું કે રાફેલ ડીલના દસ્તાવેજો, જેના પર અટોર્ની જનરલ વિશેષાધિકારનો દાવો કરી રહ્યા છે તે પ્રકાશિત થઈ ચૂક્યા છે અને પહેલેથી જ સાર્વજનિક થઈ ગયા છે. અન્ય અરજદાર એવાં અરુણ શૌરીએ કહ્યું કે કેન્દ્ર સરકાર અને અટર્ની જનરલ દ્વારા દસ્તાવેજોને ફોટોકોપી કહેવામાં આવ્યા છે તે સાબિત કરે છે કે દસ્તાવેજો સાચા છે.
પ્રશાંત ભૂષણે આરટીઆઈ અંગે અટોર્ની જનરલના દાવા વિરુદ્વ દલીલ કરી હતી કે 58,000 કરોડ રૂપિયાના સોદામાં ભારતને ફ્રાન્સે કોઈ પણ પ્રકારની સંપ્રભૂ ગેરંટીના કરાર કર્યા નથી. આ ઉપરાંત પ્રેસ કાઉન્સીલ ઓફ ઈન્ડીયાના કાયદા પ્રમાણે પત્રકારના સૂત્રોને સંરક્ષણ આપવાની જોગવાઈ છે.