ઉત્તરપ્રદેશ તા.28 : કોંગ્રેસ-સપા નો ચૂંટણી અભિયાનને વેગ આપવા માટે રાહુલ ગાંધી અને અખિલેશ યાદવમાં રવિવારે પહેલીવાર એક મંચ પર લાવવા માટેની રૂપરેખા તૈયાર થઈ ગઈ છે. જો કે બંને નેતાઓ કોઈ રેલીમાં નહિ પરંતુ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દ્વારા ગઠબંધનના પ્રચાર અભિયાનનો પ્રારંભ કરશે.કોંગ્રેસના સંકેતો સ્પષ્ટ છે કે મીડિયાની સાથે મુલાકાત થવા ઉપરાંત આ બંનેની આગળની સંયુક્ત રેલીઓની પણ યોજના બની રહી છે.રાહુલ-અખિલેશના એક સાથે મંચ પર આવતા પૂર્વે રાયબરેલી અને અમેઠીની સીટોના વિતરણને લઈને બંને પાર્ટીઓમાં ચાલી રહેલી ખેંચતાણનો માર્ગ નીકળે તેવી પણ પૂરી કોશિશો થઇ રહી છે. મકસદ છે કે ગઠબંધનમાં કોઈ પ્રકારે અંદરની ખેંચતાણનો સંદેશો બહાર ન જાય.
ગાંધી પરિવારના આ બંને પરમ્પરાગત સંસદીય ક્ષેત્રોની પાંચ પાંચ સીટો પર સપાએ ઉમેદવાર ઉતર્યા છે. તેમાં વિવાદોમાં ઘેરાયેલા સપાના મંત્રી ગાયત્રી પ્રજાપતિ પણ સામેલ છે. કોંગ્રેસ આ બંને જિલ્લાની તમામ બેઠકો માંગે છે, જયારે સપા પોતાના સીટીંગ ધારાસભ્યોવાળી બેઠકો છોડવા માંગતી નથી. જો કે કપિલ સિબ્બલે સંકેત આપ્યા છે કે રાહુલ-અખિલેશના એક મંચ પર આવતા પહેલા તેનો માર્ગ નીકળી જશે.કોંગ્રેસ સૂત્રોએ જણાવ્યું હતું કે લખનઉ માં રવિવારે બંને નેતાઓની પ્રેસ કોન્ફરન્સ લગભગ નક્કી છે.સંયુક્ત રેલીઓમાં પણ પ્રશાંત કિશોરની ટીમ તૈયાર કરી રહી છે.પરંતુ હજુ સુધી રેલીની તારીખ અને સ્થળ નક્કી થયા નથી.સ્ટાર પ્રચારકોની યાદીમાં સામેલ થયા પછી પણ પ્રિયંકા ગાંધી વાડ્રાની તરફથી પોતાનો પ્રચાર અભિયાન અમેઠી, રાયબરેલી સુધી સીમિત રાખવાના સંદેશ અંગે સિબ્બલે કહ્યું કે તે પ્રચાર ક્યાં કરશે તેનો નિર્ણય તે (પ્રિયંકા) કરશે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદીમાં તેમનું નામ શામેલ છે અને તેઓ પોતાની મરજીથી જ્યાં ઈચ્છશે ત્યાં પ્રચાર કરવા જશે.