ગાઝિયાબાદ પોલીસે વિદેશ મંત્રાલય માટે કામ કરતા એક વ્યક્તિની જાસૂસીના આરોપમાં ધરપકડ કરી છે. અહેવાલો અનુસાર, પોલીસને ઈન્ટેલિજન્સ બ્યુરો તરફથી ઇનપુટ મળ્યા બાદ નવીન પાલ તરીકે ઓળખાતા આ વ્યક્તિની ક્રોસિંગ રિપબ્લિક વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી હતી.
નવીન પાલ વિરુદ્ધ નોંધાયેલી FIRમાં જણાવાયું છે કે તેણે વિદેશ મંત્રાલયના દસ્તાવેજો અને G20 મીટિંગ સાથે સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાનના કરાચીમાં એક વ્યક્તિને આપી હતી. વોટ્સએપ દ્વારા માહિતી આપવામાં આવી હતી.
કર્મચારી સોશિયલ મીડિયા દ્વારા મહિલાના સંપર્કમાં આવ્યો હતો
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે નવીન પાલ સોશિયલ મીડિયા દ્વારા એક મહિલાના સંપર્કમાં આવ્યો હતો. ત્યારબાદ તેણે તેની સાથે વોટ્સએપ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું.
શરૂઆતમાં મહિલાનો નંબર ઉત્તર પ્રદેશના બરેલીનો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, નંબરનું IP એડ્રેસ ટ્રેસ કરતાં તે કરાચીનો હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને નવીનના મોબાઈલ ફોનમાંથી વિદેશ મંત્રાલય અને જી20 સંબંધિત અનેક દસ્તાવેજો પણ મળ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે ફાઈલો ‘સિક્રેટ’ નામથી સેવ કરવામાં આવી હતી.
આ ઉપરાંત, પોલીસે કહ્યું કે તેઓ રાજસ્થાનના અલવરની એક મહિલાને પણ શોધી રહ્યા છે, જેણે નવીનના ખાતામાં કેટલીક રકમ ડિજિટલી ટ્રાન્સફર કરી હતી.