વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 વિપક્ષી પાર્ટીઓના સંયુક્ત ગઠબંધન ‘I-N-D-I-A’ પર આકરા પ્રહારો કર્યા હતા. બીજેપી સંસદીય દળની બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે જ્યારે ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે તેના નામમાં ઈન્ડિયા શબ્દ પણ હતો. એ જ રીતે ઈન્ડિયન મુજાહિદ્દીનના નામમાં પણ ભારત આવે છે. માત્ર ભારતનું નામ રાખીને કશું પ્રાપ્ત થતું નથી. પીએમ મોદીએ ભાજપ સંસદીય દળની બેઠકમાં વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે વિપક્ષોએ મન બનાવી લીધું છે કે તેઓ લાંબા સમય સુધી વિપક્ષમાં રહેશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં જ અટક્યા નથી. તેમણે વધુમાં કહ્યું કે, ‘વિપક્ષ સંપૂર્ણ રીતે દિશાહીન છે. તેની પાસે કોઈ દ્રષ્ટિ નથી. અમે સાથે મળીને અમારા ત્રીજા કાર્યકાળમાં ભારતને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવીશું. વર્તમાન સમયના વિપક્ષો હેબતાઈ ગયા છે અને તેમણે વિપક્ષમાં જ રહેવાનું મન બનાવી લીધું હોય તેમ લાગે છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને તેમના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાની સલાહ આપી છે. વિરોધ પક્ષોનું કામ માત્ર વિરોધ કરવાનું છે. તેમને આમ કરવા દો.