એક પોલીસ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વ્યક્તિએ તેને વેલેન્ટાઇન ડે માટે ભેટ મોકલવાનો ઢોંગ કર્યા પછી મુંબઈની 51 વર્ષીય મહિલાએ કથિત રીતે 3.68 લાખ રૂપિયા ગુમાવ્યા હતા. ખાર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, પરિણીત મહિલાએ ગયા અઠવાડિયે બુધવારે ઇન્સ્ટાગ્રામ પર એક પુરુષ સાથે મિત્રતા કરી હતી જેણે પોતાની ઓળખ એલેક્સ લોરેન્ઝો તરીકે આપી હતી.
વેલેન્ટાઈન ગીફ્ટ આપવાના બહાને 72 હજાર રૂપિયા લીધા હતા
પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે પુરુષે તેને કહ્યું હતું કે તેણે વેલેન્ટાઈન ડેની ગિફ્ટ મોકલી છે જેના માટે તેણે પાર્સલ મેળવ્યા બાદ 750 યુરોની ફી ચૂકવવી પડશે. ફરિયાદના આધારે, પોલીસ અધિકારીએ કહ્યું કે પાછળથી મહિલાને પાર્સલ કંપની તરફથી સંદેશ મળ્યો કે પાર્સલ અનુમતિપાત્ર મર્યાદા કરતાં ભારે છે, તેથી તેણે 72,000 રૂપિયાનો વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. આ પછી મહિલાએ તેને પૈસા ચૂકવ્યા.
મની લોન્ડરિંગ કેસમાં ફસાવવાની ધમકી આપી હતી
થોડા સમય પછી, મહિલાનો ફરીથી સંપર્ક કરવામાં આવ્યો અને તેણે જણાવ્યું કે તેને પાર્સલમાં યુરોપિયન ચલણી નોટો મળી છે અને તેણે મની લોન્ડરિંગના આરોપોથી બચવા માટે 2,65,000 રૂપિયા ચૂકવવા પડશે. આનાથી ડરીને મહિલાએ ફરીથી રકમ ચૂકવી દીધી. જો કે, જ્યારે મહિલાને પુરુષ દ્વારા મોકલવામાં આવેલ પાર્સલ મેળવવા માટે ફરીથી 98,000 રૂપિયા ચૂકવવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણીને શંકા ગઈ.
ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા ધમકી આપી
અધિકારીએ કહ્યું કે જ્યારે મહિલાએ રકમ ચૂકવવાનું બંધ કરી દીધું, ત્યારે લોરેન્ઝો તેને ધમકી આપવા લાગ્યો કે તે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરશે અને તેના પરિવારના સભ્યો સાથે પણ શેર કરશે. આ પછી મહિલાએ ખાર પોલીસમાં ફરિયાદ નોંધાવી.
પોલીસે કેસ નોંધ્યો
અધિકારીએ જણાવ્યું કે ફરિયાદના આધારે પોલીસે રવિવારે ભારતીય દંડ સંહિતાની કલમ 420 (છેતરપિંડી) અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી એક્ટની જોગવાઈઓ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ FIR નોંધી છે. હાલ મામલાની વધુ તપાસ ચાલી રહી છે.