હિમાચલ પ્રદેશના સિમલા જિલ્લામાં કોવિડ -19 નો કહેર ખુબ જ વધારે છે. અહીં કોરોના ચેપનો આંકડો 8300 ને પાર કરી ગયો છે અને 192 લોકોનાં મોત નીપજ્યાં છે. વાયરસ ચેપ અટકાવવા માટે લડતા ફ્રન્ટલાઈન પોલીસ જવાનોને પણ આ ચેપ લાગુ પડ્યો છે. જિલ્લામાં 35 ટકા પોલીસ કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો છે. જેના કારણે પોલીસ વિભાગમાં હલચલ મચી ગઈ છે.
જિલ્લામાં અત્યાર સુધીમાં 562 પોલીસ કર્મચારીઓની કોરોના તપાસ કરવામાં આવી છે. તેમાંથી 202 પોલીસ કર્મચારીઓને કોરોના ચેપ લાગ્યો છે. ચેપગ્રસ્તોમાં 175 પોલીસ કર્મચારી, 19 હોમગાર્ડ જવાન અને 8 વર્ગ IV નો સમાવેશ થાય છે. જિલ્લાભરમાં પોલીસ વિભાગના 98 સક્રિય કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ છે. છેલ્લા 24 કલાક દરમિયાન ત્રણ પોલીસ કર્મચારીમાં કોરોના ચેપની પુષ્ટિ થઈ છે જ્યારે કોરોનાને મહાત આપતા 6 પોલીસ કર્મચારીઓ સ્વસ્થ થયા છે. સિમલાના હોટસ્પોટ વિસ્તારોમાં તૈનાત ઘણા પોલીસ કર્મચારીઓની દરરોજ કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.
બીજી તરફ, જિલ્લા પોલીસ અધિક્ષક સિમલા મોહિત ચાવલાએ સોમવારે જણાવ્યું હતું કે, પોલીસ કર્મચારીઓમાં કોરોના ચેપ ઝડપથી વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 35 ટકા પોલીસ કર્મચારીઓમાં કોરોના ચેપની પુષ્ટિ થઈ છે. તેમણે કહ્યું કે જિલ્લામાં 1700 જેટલા પોલીસ કર્મચારી છે અને તે બધાની કોરોના પરીક્ષણ કરવામાં આવશે. અત્યાર સુધીમાં 562 પોલીસકર્મીઓની કોરોના ટેસ્ટ કરાયા છે.
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 44,958 પર પહોંચી ગઈ છે. સક્રિય દર્દીઓની સંખ્યા 8,269 છે. અત્યાર સુધીમાં 35,923 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે જ્યારે 722 લોકો મૃત્યુ પામ્યા છે. રાજ્યભરમાં કોરોના કુલ 5 લાખ 71 હજાર 177 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.