ઓપેક દેશો દ્રારા ઉત્પાદનમાં મૂકવામાં આવેલો કાપ તેમજ આંતરરાષ્ટ્ર્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા જતા ભાવને કારણે આવનારા દિવસોમાં ભારતમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૭૫ રૂપિયા સુધી પહોંચે તેવી ભીતિ છે. મોંઘવારી અને નોટબંધીનો માર સહન કરી રહેલી જનતાને વધુ એક કડવો ડોઝ મળવાની પૂરી સંભાવના છે. ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટો વધારો તોળાઈ રહ્યો છે. ક્રૂડ ઓઈલની નિકાસ કરનારા દેશોનું સંગઠન ‘ઓપેક’ ક્રૂડનું પ્રોડકશન ઓછું કરવા માટે રાજી થઈ ગયું છે. સમજૂતિ હેઠળ આગામી વર્ષે જાન્યુઆરીથી ઓપેક દેશ કુલ ક્રૂડ ઉત્પાદનમાં ૩ ટકાનો કાપ મૂકશે. આ કાપથી વર્તમામ સમયમાં ૩.૩૭ લાખ ક્રૂડ ઉત્પાદન ઓછું થઈને ૩.૨૫ લાખ કરોડ બેરલ થઈ જશે જેની અસર ક્રૂડની કિંમતોમાં ૧૦ ટકાનો વધારો થઈને સામે આવશે.નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી વર્ષ ૨૦૧૭ના મધ્ય સુધી ક્રૂડની કિંમત ૬૦ ડોલરને પાર થઈ શકે છે. આવામાં પેટ્રોલ–ડીઝલની કિંમતમાં મોટો વધારો થવાની સંભાવના નકારી શકાતી નથી. એવું મનાય રહ્યું છે કે ભારતમાં પેટ્રોલની કિંમત ૭૫ રૂપિયા સુધી પહોંચી શકે છે. આ ભાવ વધારાથી જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં પણ વધારો થશે અને સરવાળે મોંઘવારી વધુ મોઢું ફાડશે.ઓપેક ઈમ્પેકટની ભારત પર શું અસર થશે તેના પર નજર કરવામાં આવે તો ભારત પોતાની જરૂરિયાતનું અંદાજે ૮૦ ટકા ક્રૂડ આયાત કરે છે. તે પોતાની જરૂરિયાતનો મોટાભાગનો હિસ્સો ઓપેકના સભ્ય દેશો પાસેથી આયાત કરાવે છે. ક્રૂડ મોંઘુ થવાથી ભારતે ક્રૂડની આયાત પર વધુ ખર્ચ કરવો પડશે. જો પ્રતિ બેરલ એક ડોલરની કિંમત પણ વધે છે તો ભારત પર વર્ષ ભરમાં ૯૨૦૦ કરોડ રૂપિયાનો બોજ આવશે. એટલે સ્પષ્ટ્ર છે કે ક્રૂડ કિંમત વધવાથી અર્થવ્યવસ્થા પર તેની ખરાબ અસર પડશે. આનાથી મોંઘવારી વધશે અને પેટ્રોલ–ડિઝલની કિંમત ફરી એક વાર ઉંચી આવી જશે. છેલ્લા ૧૧ મહિનામાં ભારતમાં ક્રૂડની આયાતમાં ૧૧ ટકાનો વધારો થયો છે જેથ ક્રૂડની કિંમતોમાં વધારાની અસર ભારત પર વધુ પડશે.એનર્જી એકસપર્ટ નરેન્દ્ર તનેજાએ જણાવ્યું કે ક્રૂડનું પ્રોડકશન ઓપેક દ્રારા ઓછું કરવાની અસર આવનારા મહિનામાં પેટ્રોલ–ડિઝલની કિંમતો પર દેખાશે. ઓપેક દેશ પ્રોડકશનમાં કાપ મૂકી ક્રૂડની કિંમત ૬૦ ડોલર પ્રતિ બેરલ લઈ જવા માગે છે. ઓપેક સાથે રૂસે પણ ક્રૂડ પ્રોડકશનમાં કાપ મુકવાનો નિર્ણય લીધો છે. હવે બધુ અમેરિકાની પોલિસી પર નિર્ભર રહેશે. જો કે અમેરિકાએ એવો નિર્ણય લીધો છે કે તે ક્રૂડના પ્રોડકશનને વધારશે.