મુંબઈ ક્રુઝ શિપ નાર્કોટિક્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને જામીન આપ્યા છે. શાહરૂખ ખાનના પુત્ર આર્યનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો એ 2 ઓક્ટોબરે મુંબઈના દરિયાકાંઠે ક્રુઝ શિપ પર દરોડા પાડ્યા હતા અને ત્યાંથી તેને ઝડપી પાડ્યો હતો. આ કિસ્સાએ અનેક વિવાદોને જન્મ આપ્યા હતા. આ મામલે કેન્દ્રીય એજન્સી અને તેના અધિકારીઓને પણ ઘેરવામાં આવ્યા છે. જોકે, આર્યનને જામીન મળ્યા હોવા છતાં આર્થર રોડ જેલમાંથી તુરંત બહાર આવે તેવી શક્યતા નથી, કારણ કે કોર્ટે જામીન આપતી વખતે લાદવામાં આવેલી શરતોને લગતો કોઈ અસરકારક આદેશ હજુ સુધી આપ્યો નથી.
જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે આ કેસમાં આર્યનના મિત્રો અને સહ-આરોપી અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ જામીન આપ્યા હતા. ન્યાયાધીશ જસ્ટિસ સાંબ્રેએ કહ્યું હતું કે, ત્રણેય અપીલ માન્ય છે. હું આવતીકાલે સાંજ સુધીમાં વિગતવાર આદેશ આપીશ. આર્યનની વકીલોની ટીમ હવે શુક્રવાર અથવા શનિવાર સુધીમાં તેની મુક્તિ માટેની ઔપચારિકતા પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. તે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં સેન્ટ્રલ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.
જાણકારોના મતે, મુક્તિ માટેની પ્રક્રિયામાં પ્રથમ પગલું એ છે કે, બોમ્બે હાઈકોર્ટમાંથી મળેલા જામીન ઓર્ડરની નકલ સ્પેશિયલ NDPS કોર્ટમાં જમા કરાવવાની હોય છે. ઓપરેટિવ પાર્ટ સ્વીકારવા કે માત્ર વિગતવાર ઓર્ડરની નકલ સ્વીકારવી, તે સ્પેશિયલ NDPS કોર્ટના જજ પર આધાર રાખે છે.
ઓર્ડરમાં બોન્ડની રકમ અને કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો આપ્યા પછી, વિશેષ એનડીપીએસ કોર્ટ આરોપીના નામે ‘રિલીઝ ઓર્ડર’ જારી કરે છે. આ રીલીઝ ઓર્ડર આર્થર રોડ જેલની બહાર બેલ બોક્સમાં મુકવામાં આવ્યો છે. આ જામીન પેટી દિવસમાં બે વખત સવારે 6 વાગ્યે અને સાંજે 5 વાગ્યે ખોલવામાં આવે છે. આ બોક્સમાંથી નીકળતા રીલીઝ ઓર્ડરના આધારે જેલ સત્તાવાળાઓ આરોપીઓને મુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરે છે. દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ આરોપીને છોડી દેવામાં આવે છે. જો આર્યનની ટીમ શુક્રવાર બપોર સુધીમાં સ્પેશિયલ NDPS કોર્ટમાંથી રીલીઝ ઓર્ડર મેળવીને જેલની બહાર બેલ બોક્સમાં મુકે તો સાંજે 5 વાગ્યે જામીન પેટી ખોલવામાં આવશે અને થોડા કલાકો બાદ આર્યનની મુક્તિ શક્ય છે.