દેશ માં આંદોલન, વિરોધ કે પ્રજા ની લાગણી સાંભળવાની જાણે ખતમ થઈ ગઈ હોય તેમ પેટ્રોલ-ડીઝલ માં સતત ભાવો વધારવા નું ચાલુ રહેતા અન્ય વસ્તુઓ મોંઘી થઈ છે, સરકારે આંખો બંધ કરી દીધી છે અને ઉપર થી હવે ગેસ ના સીધા જ 50 વધારી દેતા જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે અને કોઈ મજબૂત વિપક્ષ નહિ હોવાથી જાણે એક તરફી લૂંટ શરૂ થઈ હોવાનું લોકો અનુભવી રહ્યા છે.
સરકારે LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂપિયા 50નો તોતિંગ વધારો કર્યો છે. આ સાથે જ 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમત રૂપિયા 769 થઈ જશે. વધી ગયેલી કિંમત રાત્રે 12 વાગ્યાથી જ લાગૂ કરી દેવામાં આવી છે.
ગેસ સિલેન્ડરની કિંમત ફેબ્રુઆરીમાં બીજી વખત વધારવામાં આવી છે. આ અગાઉ 4 ફેબ્રુઆરીના રોજ સબસિડીવાળા સિલિન્ડર રૂપિયા 25 મોંઘા થયા હતા.હવે 10 દિવસ બાદ એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ તેની કિંમતમાં વધુ રૂપિયા 50 વધારો કરવામાં આવ્યો છે. તેનો અર્થ એ છે કે ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધી ઘરેલુ સિલેન્ડરની કિંમત રૂપિયા 75 વધી ગઈ છે.
જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ LPG ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો ન હતો. જોકે આ અગાઉ ડિસેમ્બરના મહિનામાં બે વખત રૂપિયા 50-50નો વધારો ઝીક્યો હતો. બજેટ દિવસ એટલે કે 1 ફેબ્રુઆરીના રોજ સબસિડી વગરનો 14.2 કિલોગ્રામ ગેસ સિલેન્ડરની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો નથી, જોકે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલેન્ડરની કિંમતમાં રૂપિયા 191નો વધારો થયો હતો.
દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. દેશના કેટલાક રાજ્યોમાં આ ભાવ લીટર દીઠ રૂપિયા 90થી 100 વચ્ચે છે. મધ્ય પ્રદેશમાં પ્રીમિયમ પેટ્રોલની કિંમત 100 પાર થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલ રૂપિયા 95 કિંમતથી વેચાઈ રહ્યું છે. આમ હવે સરકાર કોઈપણ વિરોધ ને ધ્યાને લીધા સિવાય મનફાવે તેમ વર્તી રહી છે અને લોકો હવે મોંઘવારી નો સામનો કરવા અસમર્થ થઈ ગયા છે તેવે સમયે સરકાર થોડું પ્રજા નું વિચારી નિર્ણય લે તે જરૂરી હોવાનું લોકો જણાવી રહયા છે.