રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે લોકસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. સિબ્બલે કહ્યું કે કોંગ્રેસે બીજેપી સામે આગામી ચૂંટણી જીતવા માટે અન્ય રાજકીય પક્ષો સાથે ગઠબંધનનો ભાગ બનવું જોઈએ.
સિબ્બલે આજે રવિવારે કહ્યું હતું કે 2024ની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)નો સામનો કરનાર કોઈપણ ગઠબંધનના કેન્દ્રમાં કોંગ્રેસ હોવી જોઈએ.
તેમણે વધુમાં કહ્યું કે મજબૂત ગઠબંધન બનાવવા માટે તમામ વિરોધ પક્ષોએ એકબીજાની વિચારધારાઓની ટીકા કરતી વખતે સંવેદનશીલ બનવું જોઈએ.
અગ્રણી વિપક્ષી નેતા સિબ્બલે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહેલા તમામ રાજકીય પક્ષોને સૌપ્રથમ એક સામાન્ય મંચ શોધવાનું આહ્વાન કર્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે આ કોમન પ્લેટફોર્મ તેમનું નવનિર્મિત ‘ઈન્સાફ’ પ્લેટફોર્મ પણ હોઈ શકે છે, જે અન્યાય સામે લડવા માટે રચવામાં આવ્યું છે. 2024 માટે વિપક્ષી ગઠબંધનના નેતૃત્વના પ્રશ્નનો જવાબ આ તબક્કે આપવાની જરૂર નથી. તેમણે 2004નું ઉદાહરણ પણ ટાંક્યું, જ્યારે અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની તત્કાલીન સરકારને વિપક્ષનો ચહેરો જાહેર ન કરવા છતાં લોકસભા ચૂંટણી પછી સત્તામાંથી ફેંકી દેવામાં આવી હતી. તેમણે કહ્યું, ‘તમામ વિપક્ષી દળોએ સંવેદનશીલ હોવા જોઈએ અને એકબીજાની વિચારધારાઓની ટીકા કરવામાં સાવચેતી રાખવી જોઈએ.’