મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશમાં ઓલ ઈન્ડિયા ક્વોટાની અનામત બેઠકોને લઈને સમગ્ર દેશમાં ભારે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપતા દેશની તમામ ડિમ્ડ યુનિવર્સિટીઓ અને સરકારી મેડિકલ કોલેજોને આદેશ આપ્યો છે કે નિયમ મુજબ ઓલ ઈન્ડિયા ક્વોટાની પુરે પુરી બેઠક ભરવામાં આવે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ ધાર્મિક અને ભાષાકિય લઘુમતી યુનિવર્સિટીને પણ લાગુ પડશે. આ સંસ્થાઓએ પણ પોતાની કુલ મેડિકલ બેઠકોમાંથી ૧૫ ટકા બેઠકો અને પીજી અભ્યાસક્રમોમાં ૫૦ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા બેઠકથી જ ભરવુ પડશે. સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં સ્ટેટ ક્વોટાની બેઠક માટે રાજ્ય સરકાર કે તેમણે નિર્ધારીત કરેલ ઓથોરીટી કોમન કાઉન્સિલના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે.આ કોલેજોએ પણ ૧૫ ટકા બેઠકો ઓલ ઈન્ડિયા ક્વોટાથી ફરજીયાતપણે ભરવી પડશે.
રાજ્યની ડિમ્ડ યુનિવર્સિટીઓને પણ આ આદેશનું પાલન કરવાનું રહેશે. ઓલ ઈન્ડિયા ક્વોટાની બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે સેન્ટ્રલાઈઝ કાઉન્સીલના બે તબક્કાનું આયોજન નિર્ધારીત ઓથોરીટીએ કરવાનું રહેશે. જ્યાં સુધી આ આદેશનું પાલન નહીં થાય ત્યાં સુધી કોઈપણ કોલેજમાં કરવામાં આવેલ પ્રવેશ પ્રક્રિયાને ગેરકાયદેસર ગણવામાં આવશે.