રાજ્યના 33 જિલ્લાના 10 હજાર મહેસૂલ કર્મચારીઓ હડતાળ પર 17 જેટલી પડતર માંગણીઓને લઈ હડતાળ પર ઉતર્યા છે. આ કર્મચારીઓ સાતમા પગારપંચનો લાભ આપવા, ફિક્સ પગાર દૂર કરી પુરો પગાર આપવા અને કારકૂનમાંથી નાયબ મામલતદાર તરીકે પ્રમોશન આપવા સહિત વિવિધ માંગણીઓ કરી રહ્યા છે. જેને પગલે આજે ગાંધીનગરમાં રેલીનું આયોજન કર્યું છે. તેમજ આ કર્મચારીઓ મુખ્યમંત્રીને આવેદન પત્ર પણ આપવા જવાના છે.
મહેસૂલી કર્મચારીઓની વિવિધ માંગણીઓ
મહેસૂલ કર્મચારીઓ 17 જેટલા પડતર પ્રશ્નો જેવા કે નાયબ મામલતદારથી મામલતદારની સિનિયોરિટીની યાદી તૈયાર કરવી, ક્લાર્ક કેડરના કર્મચારીઓને નાયબ મામલતદારનું પ્રમોશન આપી ફિક્સ પગારની નોકરી કરનાર કર્મચારીઓને નેશનલ ઇજાફો આપવા, સાતમું પગારપંચ, કોમ્પ્યુટર કામગીરીમાં રેગ્યુલર કર્મચારીઓને બેસાડવા સહિતની માંગણીઓ સાથે રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા અનેક વખત રજૂઆત કરી છતાં સરકાર દ્વારા માત્ર બાંહેધરી જ અપાતી હોવાથી હડતાળ પર ઉતર્યા છે.
મહેસૂલ સંબંધિત કામગીરી પર અસર
મહેસૂલી કર્મચારીઓની આ હડતાળને પગલે આવકના દાખલા, ઇ-ધરા નોંધ, એન.એ., નવીશરત- જુનીશરતમાં જમીન તબદીલ કરવા ઉપરાંત વહિવટી કામગીરી પર અસર પડી હતી.