નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસે ફરી માંથું ઉચક્યું છે ત્યારે ભારતમાં કોવિડ-19ના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકના કોરોનાના કેસોની વાત કરીએ તો દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. મહારાષ્ટ્રના તમામ જીલ્લાઓ કોરોનાથી પ્રભાવિત થયા છે. સાથે સાથે કેરળના 9, તમિલનાડુના 7, પંજાબ અને ગુજરાતના 6-6 જિલ્લા તેમાં સામેલ છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,56,20,749 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,989 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19ના કારણે 98 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,11,39,516 થઈ ગઈ છે.
નોંધનીય છે કે, કોવિડ-19ની મહામારી સામે લડીને 1 કરોડ 8 લાખ 12 હજાર 44 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. 24 કલાકમાં 13,123 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 1,70,126 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,57,346 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
વિશેષમાં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ મંગળવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, 1 માર્ચ સુધીમાં ભારતમાં કુલ 21,76,18,057 કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, સોમવારના 24 કલાકમાં 7,59,283 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
ગુજરાતની વાત કરીએ તો, અમદાવાદ અને સુરત સહિતના મહાનગરોમાં કોરોના કેસ વધ્યા છે તો સાથે સાથે રાજ્યમાં વેક્સિનેશનનો કાર્યક્રમ પણ પુરજોશમાં શરૂ છે. રાજ્યમાં કોરોના વાયરસના 454 નવા કેસ નોંધાયા છે જ્યારે કુલ 56,489 વ્યક્તિઓ જે કો-મોર્બીડ છે અથવા તો 45-60 વર્ષના છે તેમને કોરોનાની રસી આપવામાં આવી છે.