નોઈડા પોલીસે સોમવારે ગૌતમ બુદ્ધ નગરમાં ગેરકાયદેસર રીતે રહેતા 15 ચીની નાગરિકોની અટકાયત કરી હતી. આ તમામ લોકો તેમના વિઝાની મુદત પુરી થવા છતાં પરવાનગી વિના ગેરકાયદેસર રીતે નોઈડામાં રોકાયા હતા. અટકાયત કરાયેલા નાગરિકોને દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે.
ચાઈનીઝ નાગરિકોને સંડોવતા હવાલા, છેતરપિંડી અને જાસૂસીના કિસ્સા પ્રકાશમાં આવ્યા બાદ પોલીસે જિલ્લામાં ખાસ ઓપરેશન ચલાવ્યું છે. આ અંતર્ગત નોઈડામાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમના સરનામાની માહિતી લઈને અટકાયત કરવામાં આવી રહી છે.
ઓપરેશનના ભાગરૂપે પોલીસે સમગ્ર જિલ્લામાંથી 15 વિદેશી નાગરિકોની અટકાયત કરી છે. જેમાંથી એક મહિલા અને 14 પુરૂષ છે. વિઝાની મુદત પૂરી થઈ ગઈ હોવા છતાં તે તમામ નોઈડામાં ગેરકાયદેસર રીતે રોકાયા હતા. આ લોકો તેમના દૂતાવાસને પણ વિઝાની મુદત પૂરી થયાની માહિતી આપતા ન હતા.
આ ઝુંબેશ અંતર્ગત પોલીસે સેક્ટર-113 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3, સેક્ટર-46 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 1, ફેઝ-2 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 6, સેક્ટર-142 પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 3 અને અન્ય જગ્યાએથી બેની ધરપકડ કરી છે. પોલીસે તમામ ચીની નાગરિકોને દિલ્હીના ડિટેન્શન સેન્ટરમાં મોકલી દીધા છે. અહીંથી તેમને તેમના દેશમાં મોકલવામાં આવશે.