રોગચાળાની મંદીને પાછળ છોડી તહેવારના મૂડમાં દેશ, ધનતેરસ પર 15 ટન સોનું વેચાયું
ધનતેરસ પર દેશભરમાં લગભગ રૂ. 7,500 કરોડનો બુલિયન બિઝનેસ થયો છે. કોવિડ 19ના કેસમાં ઘટાડાને કારણે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું છે.
કોરોના રોગચાળાની ભયાનકતાને ભૂલીને દેશ હવે સંપૂર્ણપણે ઉત્સવના મૂડમાં છે. આ વખતે ધનતેરસ પર 15 ટન સોનાના ઘરેણા, બાર અને સિક્કાનું વેચાણ થયું છે. ધનતેરસ પર દેશભરમાં લગભગ રૂ. 7,500 કરોડનો બુલિયન બિઝનેસ થયો છે.
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ આ દાવો કર્યો છે. CAIT પ્રમુખ બી.સી. ભરતિયા અને જનરલ સેક્રેટરી પ્રવીણ ખંડેલવાલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતમાં ધનતેરસનું ઘણું ધાર્મિક મહત્વ છે અને તેના કારણે આ દિવસે જ્વેલરીનું ઘણું વેચાણ થયું હતું. તેમણે કહ્યું કે સોના અને જ્વેલરીનું વેચાણ આગળ વધશે કારણ કે નવેમ્બરના મધ્યથી લગ્નો શરૂ થઈ રહ્યા છે.
નોંધનીય છે કે સોનું ઓલ ટાઈમ હાઈ લેવલથી લગભગ 8000 રૂપિયા સસ્તું થઈ રહ્યું છે. તેની અસર બજારોમાં જોવા મળી હતી. કોવિડ 19ના કેસમાં ઘટાડાને કારણે ગ્રાહકોનું સેન્ટિમેન્ટ સકારાત્મક બન્યું છે. આ વર્ષે જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં દેશમાં સોનાની માંગમાં 50 ટકાનો અદભૂત વધારો થયો છે. કોરોના લોકડાઉનના અંત પછીથી ધંધો સતત વધી રહ્યો છે.
સારું વેચાણ
કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAT) એ કહ્યું કે જ્વેલરી ઉદ્યોગ રોગચાળાને કારણે મંદીમાંથી બહાર આવ્યો છે. CAIT એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ધનતેરસ પર દેશભરમાં લગભગ 7,500 કરોડ રૂપિયાનું વેચાણ થયું હતું. આશરે 15 ટન સોનાના દાગીનાનું વેચાણ થયું હતું. CAITએ જણાવ્યું હતું કે આમાં દિલ્હીમાં આશરે રૂ. 1,000 કરોડ, મહારાષ્ટ્રમાં આશરે રૂ. 1,500 કરોડ, ઉત્તર પ્રદેશમાં આશરે રૂ. 600 કરોડના અંદાજિત વેચાણનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતમાં વેચાણ આશરે રૂ. 2,000 કરોડ હોવાનો અંદાજ છે.