કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ગુજરાતની દરિયાઈ સીમામાંથી આતંકીઓ ઘૂષણખોરી કરીને આતંકી હુમલાને અંજામ આપશે તેવું એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે કચ્છના સિરક્રિક વિસ્તારમાંથી પાકિસ્તાનની બે બોટને સુરક્ષા એજન્સીઓએ ઝડપી પાડી છે. બોટ બિનવારસી હાલતમાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ગુજરાતમાં આતંકી એલર્ટ વચ્ચે સિરક્રિક વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન બીએસએફ દ્વારા દરિયાકાંઠાના આસપાસના વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે સમયે બીએસએફને બે બોટ મળી આવી હતી. બીએસએફ દ્વારા બોટની તપાસ કરવામાં આવતાં ત્યાં કોઈ વ્યક્તિ મળેલ ન હતો. આતંકી હુમલાના એલર્ટ વચ્ચે પાકિસ્તાનની બે બોટ બિનવારસી હાલતમાં મળી આવતાં સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
ઓગસ્ટ મહિનામાં પણ બીએસએફને કચ્છ જિલ્લા નજીક ભારત-પાક સરહદની બાજુમાં હરામી નાળાની ખાડીમાંથી બે પાકિસ્તાની ફિશિંગ બોટ મળી આવતી હતી. સિંગલ એન્જિનવાળી બે પાકિસ્તાની બોટ બિનવારસુ હાલતમાં મળી આવતા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે એ સમયે એ વિસ્તારમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.