કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવેએ શુક્રવારે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનના ધારાસભ્યોમાં અસંતોષ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ગઠબંધનના ઓછામાં ઓછા 25 અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. કેન્દ્રીય મંત્રીના આ દાવાના કારણે રાજકીય અટકળોનું બજાર ગરમ બન્યું છે.શિવસેનાના દાવાઓને નકારી કાઢતા, તેમણે એમ પણ કહ્યું કે ભૂતપૂર્વ સાથી પક્ષને 2019ની બેઠક વહેંચણીની વાટાઘાટોમાં ભાજપ દ્વારા મુખ્યમંત્રી પદની ઓફર કરવામાં આવી ન હતી, સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો. રાવસાહેબ દાનવેએ જલાનામાં પત્રકારોને જણાવ્યું કે સત્તાધારી મહાવિકાસ અઘાડી ગઠબંધનના ઓછામાં ઓછા 25 ધારાસભ્યો અમારા સંપર્કમાં છે.
ભાજપના નેતા (કેન્દ્રીય રાજ્ય મંત્રી રાવસાહેબ દાનવે)એ કહ્યું કે આ તમામ 25 ધારાસભ્યો વર્તમાન મહાવિકાસ અઘાડી ગઠબંધનથી નાખુશ છે. જોકે, તેમણે ધારાસભ્યોના નામ જાહેર કર્યા ન હતા. શિવસેના પર પણ નિશાન સાધતા ભાજપના નેતાએ આરોપ લગાવ્યો કે તે હિન્દુત્વની વિચારધારાથી ભટકી ગઈ છે. પીએમ મોદીના કારણે 2019ની ચૂંટણીમાં શિવસેનાને વોટ મળ્યા હતા પરંતુ તેમણે ભાજપની પીઠમાં છરો માર્યો હતો.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બાળાસાહેબ ઠાકરેની શિવસેના નથી પરંતુ ઉદ્ધવ ઠાકરે અને અબ્દુલ સત્તારની સેના છે. જણાવી દઈએ કે અબ્દુલ સત્તાર રાજ્ય સરકારમાં મંત્રી છે. દાનવેએ કહ્યું કે વર્ષ 2019માં જ્યારે માતોશ્રીમાં ભાજપના નેતાઓ (અમિત શાહ, દેવેન્દ્ર ફડણવીસ, આશિષ શેલાર) અને શિવસેના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરે વચ્ચે ચર્ચા થઈ હતી, ત્યારે હું ત્યાં હાજર હતો. આ બેઠકમાં મુખ્યમંત્રી પદને લઈને કોઈ ચર્ચા થઈ ન હતી. આ સાથે તેમણે શિવસેનાના એ દાવાને પણ નકારી કાઢ્યો હતો કે નિર્ધારિત અંતરાલ પછી સીએમ પદ બદલવા પર સહમતિ બની હતી.