હિંદુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની આઠમ તિથિએ દેવી રાધાનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે. આ દિવસે રાધાષ્ટમી પર્વ ઉજવાય છે. આ પર્વ ભગવાન કૃષ્ણના જન્મના 15 દિવસ પછી આવે છે. આ વર્ષે આ પર્વ 26 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે. રાધાષ્ટમીએ મથુરા જિલ્લાના બરસાના ગામમાં રાધાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. બરસાનામાં એક પહાડ ઉપર રાધાજીનું સુંદર મંદિર છે. જેને રાધારાણી મહેલ પણ કહેવામાં આવે છે. રાધાષ્ટમીના દિવસે રાધાજીના મંદિરને ફૂલ અને ફળથી સજાવવામાં આવે છે. ભક્ત મંગળ ગીત ગાય છે અને એકબીજાને વધામણી આપે છે. બરસાના રાધાજીનું જન્મ સ્થળ તરીકે પ્રસિદ્ધ છે. આ એક પહાડીની નીચે આવેલું છે. ગ્રંથોમાં બરસાનાનું પ્રાચીન નામ બ્રહત્સાનુ, બ્રહમસાનુ અને વૃષભાનુપુર ઉલ્લેખવામાં આવે છે. રાધાજીનો જન્મ યમુનાના કિનારે રાવલ ગામમાં થયો હતો. અહીં રાધાજીનું મંદિર પણ છે. પરંતુ રાજા વૃષભાનુ બરસાનામાં જઇને રહેવાં લાગ્યાં હતાં. રાધાજીની માતાનું નામ કિર્તિદા અને તેમના પિતા વૃષભાનુ હતાં. બરસાનામાં રાધાજીને પ્રેમથી લાડલીજી કહેવામાં આવે છે. રાધાષ્ટમીએ સૌથી પહેલાં ભોગ મોરને ખવડાવવામાં આવે છે. લાડલીજીના મંદિરમાં રાધાષ્ટમીનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. રાધાષ્ટમી પર્વ બરસાના વાસીઓ માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. રાધાષ્ટમીના દિવસે રાધાજીના મંદિરને ફૂલો અને ફળથી સજાવવામાં આવે છે. રાધાજીને લાડવા અને છપ્પન વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવે છે અને તે ભોગ સૌથી પહેલાં મોરને ખવડાવવામાં આવે છે. મોરને રાધા-કૃષ્ણનું સ્વરૂપ માનવામાં આવે છે. અન્ય પ્રસાદને શ્રદ્ધાળુઓમાં વહેંચવામાં આવે છે. આ અવસરે રાધારાણી મંદિરમાં શ્રદ્ધાળુઓ વધામણી આપે છે અને ગીત ગાઇને રાધાષ્ટમીનો તહેવાર ઉજવે છે.