અંબાજી-દાંતા માર્ગ પરના અત્યંત ગંભીર એવા ત્રિશૂળિયા ઘાટ પરના માર્ગ અકસ્માતમાં ચરોતર પંથકના 22 યાત્રિકોના મોત તેમજ 55થી વધુને ઇજા પહોંચી છે. દાંતાથી 8 કિલોમીટર દૂર અંબાજી જવાના માર્ગ પર ત્રિશૂળિયા ઘાટ પાસે અવાર નવાર અકસ્માતો બનતાં અહીં હનુમાન મંદિરની સ્થાપના કરાઈ હતી. ત્રણ મહિનામાં જ ચોથો મોટો અકસ્માત ફરી આજ સ્થળે સર્જાતાં હાહાકાર મચી ગયો હતો. અંબાજી ત્રિશૂળિયા ઘાટની ભયજનક વળાંકવાળી જગ્યાએ છેલ્લા 4 મહિનામાં 3 અકસ્માતોમાં 30 લોકોએ જીવ ગુમાવ્યા અને 93 લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
19 એપ્રિલે અંબાજીથી ભાભર જતી એસટી બસની બ્રેક ફેઇલ થઈ હતી. જોકે, ડ્રાઇવરે સમય સૂચકતા વાપરી બસને ભેખડ સાથે અથડાવતાં મોટી જાનહાની ટળી હતી. બસમાં 70 મુસાફરો સવાર હતા.
7 જૂન 2019ના રોજ ભલગામના સિપાઇ પરિવાર પીકઅપ ડાલા (GJ 8 AU 344)માં ત્રિશૂળિયો ઘાટ ઉતરી રહ્યા હતા તે સમયે અકસ્માતમાં એક જ પરિવારનાં 9 લોકોનાં મોત નીપજયાં હતાં, જયારે 26થી વધુ લોકો ઘાયલ થયા હતા.
30 સપ્ટેમ્બરે અકસ્માતમાં 22 ના મોત, જયારે 53થી વધુ લોકો ઘાયલ થયા હતા. અંબાજી 108 દ્વારા અકસ્માતમાં ઘવાયેલા 179 લોકોને, જયારે દાંતા 108 દ્વારા 383 ઘાયલોને સારવાર અપાઇ હતી.