ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચની બે મસ્જિદમાં કરવામાં આવેલા અંધાધૂંધ ફાયરીંગમાં 49 લોકોના મોત થયા છે. 28 વર્ષીય ઓસ્ટ્રેલિયન આંતકીએ મસ્જિદમાં બાળકોને ટાર્ગેટમાં રાખીને અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ હુમલા બાદ 9 ભારતીય નાગરીકો પણ લાપતા છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદ્વારીએ આ બાબતની જાણકારી આપી છે.
ન્યૂઝીલેન્ડના આતંકી હુમલામાં નવ ભારતીયો લાપતા બન્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં ભારતીય રાજદુત કાર્યાલયે આ અંગેની માહિતી આપી છે. લાપતા બનેલા ભારતીયો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે.
ન્યૂઝીલેન્ડની બે મસ્જિદમાં ઓસ્ટ્રેલિયન આતંકી બ્રેંટન ટૈરંટ અને તેના ત્રણ સાગરિતો સહિત મહિલાએ નમાઝ પઢી રહેલા મુસ્લિમો પર અંધાધૂંધ ફાયરીંગ કર્યું હતું. જેમાં 49 લોકોના જાન ગયા હતા. ચારેતરફ માતમનો માહોલ છવાઈ ગયો હતો. આતંકી બ્રેંટન ટૈરંટે ફાયરીંગ કાંડને અંજામ આપતા પહેલાં શૈતાનિયત રીતે વર્તી ફેસબૂક પર પોસ્ટ મૂકી હતી અને ફાયરીંગનું ફેસબૂક પર લાઈવ પણ કર્યું હતું.
એઆઈએમએઆઈએમ નેતા અસદુદ્દીન ઓવૈસીએ દાવો કર્યો છે કે, એક ભારતીય અહમદ જહાંગીરને ઈજા થઈ છે અને તેમને ગોળી વાગી હોવાનું વીડિયોમાં જણાઈ આવે છે. હૈદરાબાદના રહીશ એવાં અહેમદના ભાઈ ઈકબાલ જહાંગીરે ન્યૂઝીલેન્ડ જવા માટેની મદદ માંગી છે. તેમણે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને મદદની અપીલ કરી છે.
ન્યૂઝીલેન્ડ પોલીસે ફાયરીંગ કરનારા આતંકીઓ પૈકી ચારની ધરપકડ કરી છે. જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. હુમલો કરનાર બ્રેંટન ટૈરંટે 74 પાનાનું મેમોરેન્ડમ પણ પોસ્ટ કર્યું હતું. તેમાં તેણે લખ્યું હતું કે શા માટે તે હુમલો કરવા માંગે છે અને કેમ તેણે આ હુમલાને અંજામ આપ્યો છે.
આતંકી બ્રેંટન ટૈરંટે પોતાની જાતેને સાધારણ શ્વેત નાગરિક ગણાવ્યો છે. તેનો જન્મ ઓસ્ટ્રેલિયામાં સામાન્ય પરિવારમાં થયો હતો. હુમલો કેમ કર્યો તે અંગે તેણે ફેસબૂક પર લખ્યું હતું કે વિદેશી આક્રમણકારીઓ દ્વારા હજારો લોકોની મોતનો બદલો લેવા માટે હુમલો કરવામાં આવ્યો છે.