રાજસ્થાનના સુંદર શહેર ઉદયપુરમાં દર વર્ષે હજારો યાત્રીનઓ ફરવા આવે છે.આ શહેરની સુંદરતા વિદેશીઓને પણ આકર્ષે છે. અહીં પ્રકૃતિ અને સાંસ્કૃતિક વારસાની અમૂલ્ય દેન છે. ઉદયપુરના રહેવાસી શહેર તળાવોમાં ફેલાયેલી ગંદકીને સાફ કરે છે અને શહેરની સુંદરતાને આંચ ન આવે તેના પ્રયત્નો કરતા રહે છે.
10 લોકોની ટીમ
73 વર્ષીય હાજી સરદાર મોહમ્મદ છેલ્લા 14 વર્ષથી શહેરના તળાવમાંથીકચરો સાફ કરી રહ્યા છે. તેમનાથી તળાવોની ગંદકી જોઈ ન શકાઈ. તળાવ સાફ કરવાનું અભિયાન તેમણે એકલાએ જ શરૂકર્યું હતું પણ આજે તેમની સાથે 10 લોકોની ટીમ છે. દર રવિવારે હાજી તેમની ટીમ સાથે તળાવ સાફ કરવા માટે ઉપડી જાય છે.
એકલાએ તળાવ સાફ કરવાના અભિયાનની શરૂઆત કરી
આજથી 14 વર્ષ પહેલાં તેમણે ઉદયપુરના શહેરના તળાવોને સાફ કરવાની મનમાં ગાંઠ વાળી લીધી હતી. ઓગસ્ટ 2005 દરમિયાન મેવાડમાં સારો એવો વરસાદ થયો હતો. આ વરસાદને કારણે દરેક તળાવ પાણીથી છલોછલ હતા, પરંતુ તેઓ ગંદકીથી ખદબદી રહ્યા હતા. હાજીએ કહ્યું કે, જ્યારે પણ હું આ તળાવોને જોતો હતો ત્યારે મારો જીવ બળતો હતો. મારા એકલાના સાફ રાખવાના વિચારથી આ કામ શક્ય નહોતું, તેમ છતાં મેં હિંમત ન હારી.
‘રૂપિયાનું દાન નહીં, શ્રમદાન કરો’
હાજીમાં મિત્રએ તેમના માટે 10 ટયૂબની એક હોડી બનાવી દીધી. હાજીએ જણાવ્યું કે, અમને કોઈ પણ જો રૂપિયાનું દાન આપે છે, તો અમે ના પાડીએ છીએ. રૂપિયાને બદલે અમે તેમને શ્રમદાન કરવાની સલાહ આપીએ છીએ. જો તે લોકો જ કચરો ફેંકીને તળાવમાં ગંદકી નહીં કરીએ તો અમારે જ આ સાફસફાઈ કરવાનો વારો નહીં આવે.
ગત 14 વર્ષમાં આ ટીમ તળાવોમાંથી હજારો ક્વિન્ટલ કચરો કાઢી ચૂક્યા છે. હાલ હાજી સરદારની ઉંમર 73 વર્ષની છે, તેમ છતાં તેમનો જુસ્સો કોઈ જવાન છોકરાથી ઓછો નથી.