ભારતે ફાર્માસ્યુટિકલ કાચા માલના ઉત્પાદનમાં આત્મનિર્ભરતાની દિશામાં પોતાનું પગલું ભર્યું છે અને ટૂંક સમયમાં સફળ થવાની અપેક્ષા છે. કાચા માલનું ઉત્પાદન કરનારા 83 ફાર્મા ઉત્પાદકોએ ભારતમાં જથ્થાબંધ દવાઓના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. મેડિકલ ઉપકરણોના 23 ઉત્પાદકોએ ભારતમાં તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં રસ દાખવ્યો છે. આ ઉત્પાદકોએ ભારત સરકારની પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ ઉત્પાદન શરૂ કરવા માટે અરજી કરી છે. હવે સરકાર આ મામલે પોતાનો નિર્ણય લેશે.
ભારતના દવા ઉત્પાદકો મોટા ભાગે કાચા માલ (જથ્થાબંધ દવાઓ) માટે ચીન પર નિર્ભર છે અને 80-90 ટકા જથ્થાબંધ દવાઓ ચીનથી આયાત થાય છે. કોરોના સમયગાળા દરમિયાન પુરવઠા શૃંખલામાં વિક્ષેપ ને કારણે દવાઓના ઉત્પાદન પર સંકટના વાદળો ઘેરાઈ ગયા હતા. આ બાબતને ધ્યાનમાં રાખીને સરકારે જથ્થાબંધ દવાઓના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે પીએલઆઈ યોજનાની જાહેરાત કરી હતી, જેથી ભારત જથ્થાબંધ દવાઓ અને તબીબી ઉપકરણોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બને. આ અરજી પીએલઆઈ યોજના હેઠળ 30 નવેમ્બર સુધીમાં કરી શકાશે.
સરકાર આગામી 90 દિવસની અંદર પીએલઆઈ યોજના હેઠળ જથ્થાબંધ દવાઓના ઉત્પાદન માટેની અરજીઓ પર નિર્ણય લેશે. તબીબી સાધનોના કિસ્સામાં અંતિમ તારીખ 60 દિવસની હોય છે. આઇએફસીઆઈ લિમિટેડને જથ્થાબંધ દવા અને તબીબી ઉપકરણ બંને યોજનાના અમલીકરણ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ એજન્સી (પીએમઆઇ) બનાવવામાં આવી છે. પીએલઆઈ યોજના હેઠળ પ્રોત્સાહન મેળવવા માટે દર વર્ષે ઉત્પાદન અને નિકાસમાં વધારો કરવો પડે છે. દવા ઉત્પાદકોનું કહેવું છે કે જથ્થાબંધ દવાઓના કિસ્સામાં ભારત જ્યારે યોજના સફળ થાય ત્યારે સ્થાનિક જરૂરિયાતો પૂર્ણ કરીને અન્ય દેશોમાં પણ નિકાસ કરી શકે છે.