જમ્મુ-કાશ્મીરમાં બાબા અમરનાથની ગુફા બાદ વાદળ ફાટવાને કારણે મોટી દુર્ઘટના થઈ છે. અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના મોત થયાના સમાચાર છે. આ ઘટના સાંજના 5.30 વાગ્યાની જણાવવામાં આવી રહી છે અને આ દુર્ઘટના બાદ ચારેબાજુ અરાજકતાનો માહોલ છવાઈ ગયો હતો. હવે ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે અને ઘણી એજન્સીઓની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
મળતી માહિતી મુજબ, વાદળ ફાટવાની ઘટના બાદ હાલ પુરતી યાત્રા રોકી દેવામાં આવી છે અને આ દુર્ઘટનાને કારણે મોટી સંખ્યામાં ટેન્ટોને નુકસાન થયું છે. જો કે પ્રાથમિક માહિતી મુજબ ITBPની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને અકસ્માતમાં ભારે નુકસાનની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાદળ ફાટ્યા બાદ આસપાસનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને ઘાયલ લોકોને એરલિફ્ટ કરીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.