યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) દ્વારા ડિસેમ્બરમાં રેકોર્ડ 12.82 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી હતી. આ દરમિયાન ટ્રાન્ઝેક્શનની સંખ્યા 782 કરોડ સુધી પહોંચી ગઈ છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાયનાન્સિયલ સર્વિસે ટ્વીટ કર્યું, ‘દેશમાં ડિજિટલ પેમેન્ટ ક્રાંતિ લાવવામાં UPIનો મોટો ફાળો છે. ડિસેમ્બર 2022માં UPI વ્યવહારો 782 કરોડને વટાવીને 12.82 લાખ કરોડ રૂપિયા થઈ ગયા છે.
381 બેંકો આ સુવિધા પૂરી પાડે છે
ઓક્ટોબરમાં UPI દ્વારા ચૂકવણી રૂ. 12 લાખ કરોડને વટાવી ગઈ હતી. નવેમ્બરમાં આ સિસ્ટમ દ્વારા 730.9 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા અને તેનું મૂલ્ય 11.90 લાખ કરોડ રૂપિયા હતું. કેશલેસ ટ્રાન્ઝેક્શનનો આ ખર્ચ અસરકારક મોડ મહિને મહિને લોકપ્રિય થઈ રહ્યો છે અને હવે 381 બેંકો આ સુવિધા આપે છે.
સ્પાઈસ મનીના સ્થાપક દિલીપ મોદીએ જણાવ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન સંખ્યા અને મૂલ્ય બંનેની દ્રષ્ટિએ ખૂબ જ ઝડપથી વધ્યા છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તે ખૂબ જ અનુકૂળ છે. તે નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવા માટે પણ ખૂબ ઉપયોગી છે.