ભારતે એન્ટી સબમરીન સુપરસોનિક મિસાઈલ સ્માર્ટનું સફળ પરીક્ષણ કર્યું હતું. એ સાથે જ ભારતીય લશ્કરની ક્ષમતામાં વધારો થયો છે. આ મિસાઈલ ૬૫૦થી લઈને૧૦૦૦ કિલોમીટરની રેન્જ સુધીમાં પ્રહાર કરવા સક્ષમ છે. એન્ટી સબમરીન મિસાઈલનું પરીક્ષણ ઓડિશાના તટે થયું હતું. સુપરસોનિક મિસાઈલ અસિસ્ટેડ રિલીઝ ઓફ ટોર્પિડો (સ્માર્ટ)નું ઓડિશાના તટે અબ્દુલ કલામ ટાપુમાં થયું હતું. ૬૫૦થી ૧૦૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ આ મિસાઈલથી ભારતની સમુદ્રી શક્તિ વધશે. સબમરીનને દૂરથી જ ધ્વસ્ત કરવાની શક્તિ ધરાવતી આ મિસાઈલનું સફળ પરીક્ષણ થયું પછી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કરીને ડીઆરડીઓના વિજ્ઞાાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.
મિસાઈલ અસિસ્ટેડ કામ આપશે
વિજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે સુપરસોનિક એન્ટી મિસાઈલની જેટલી જ ક્ષમતાથી આ મિસાઈલ અસિસ્ટેડ કામ આપશે. સ્માર્ટના કારણે એન્ટી સબમરીન વોરફેરની ભારતની આખી સિસ્ટમમાં પરિવર્તન આવશે. આ એવી સિસ્ટમ હોય છે, જેમાં ટોર્પિડોની સાથે મિસાઈલ પણ હોય છે. તેની વધારે રેન્જ માટે પણ અત્યારે સંશોધનો થઈ રહ્યા છે. તેનાથી ભારતીય નૌકાદળની નજર અને શક્તિ અનેકગણી વધશે. ભારત પાસે જીપીએસથી ટાર્ગેટ શોધનારું વરૃણાસ્ત્ર અગાઉ જ છે. એ એડવાન્સ્ડ હેવિવેઈટ એન્ટી સબમરીન ટોર્પિડો છે.
વાયુસેના દિવસની ઉજવણી થાય છે
દરમિયાન વાયુસેનાના વડા એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ વાયુસેના દિવસ પહેલાં એક નિવેદનમાં કહ્યું હતું કે ભારતીય વાયુસેના બધા જ પ્રકારના પડકારોનો સામનો કરવા સજ્જ છે. ૮મી ઓક્ટોબરો વાયુસેના દિવસની ઉજવણી થાય છે. તે પહેલાં તેમણે વાયુસેનાની ક્ષમતા અને સજ્જતા વિશે વાત કરતા કહ્યું હતું કે રફાલ વાયુસેના સાથે જોડાઈ જતાં ભારતીય વાયુસેના ખૂબ જ શક્તિશાળી બની ગઈ છે. ભારતીય વાયુસેના દુશ્મનોને અચંબામાં નાખી દે તેવા પરાક્રમો કરવા સક્ષમ છે. આગામી સમયમાં વાયુસેનાની ક્ષમતા વધારવાનો નિર્ધાર તેમણે વ્યક્ત કર્યો હતો. વાયુસેનાના વડાએ કહ્યું હતું કે દેશનું ધ્યાન અત્યારે લદાખ પર છે, પરંતુ વાયુસેના તો દેશના બધા જ વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત છે. દેશની સુરક્ષા બધી જ તરફથી થાય તે માટે વાયુસેના કટિબદ્ધ છે.