ભારત દ્વારા પાકિસ્તાનમાં કરાયેલી એર સ્ટ્રાઈકના પગલે બન્ને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો છે કે તેણે ભારતના બે વિમાન તોડી પાડ્યા છે જ્યારે પાકિસ્તાનની આ હરકતનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનને ભારતીય આર્મીએ ઉભી પૂંછડીએ ભગાડ્યા હતા.
પાકિસ્તાને વીડિયો જારી કરી કહ્યું ભારતનો એક પાયલોટ તેના કબ્જામાં છે. પાયલોટની ઓળખ અભિનંદન વર્ધમાન તરીકે થઈ છે. ભારતે પાયલોટ અભિનંદન સાથે થઈ રહેલા અમાનવીય વ્યવહાર અંગે વાંધો ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના રાજદૂતને બોલાવી કહ્યું કે ભારતીય પાયલોટ સાથે અમાનવીય વ્યવહાર એ જિનિવા સંધિનું સીધી રીતે ઉલ્લંઘન છે. આની સાથે જ ભારતે પાયલોટ અભિનંદનને કોઈ પણ જાતનું નુકશાન ન થાય તે માટે પાકિસ્તાની રાજદૂતને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે. ભારતે પાયલોટને તત્કાળ ભારતને પાછો સોંપવાની માંગ કરી છે.
ટવિટર પર અભિનંદન વર્ધમાનને લઈ માંગ ઉઠી છે કે યુદ્વ છોડો, અભિનંદનને પાછો લાવો. સોશિયલ મીડિયા પર ભારતીય જવાનને પરત લાવવા માટે અભિયાન ચાલ્યું છે. તમામે ટવિટર માંગ કરી કે પાયલોટ અભિનંદનને તાત્કાલિક પાછા લાવવામાં આવે. દરમિયાનમાં સેના પ્રમુખ બિપિન રાવતે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી.