દિલ્હીના ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ અરવિંદ કેજરીવાલના ભાજપ વિરુદ્ધ ધારાસભ્યોના હોર્સ ટ્રેડિંગના દાવા પર પાંચ મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કર્યા છે. અધિકારીઓની મુલાકાત બાદ અરવિંદ કેજરીવાલના ઘરની બહાર તણાવપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. ચૂંટણી પરિણામો પહેલાં પક્ષ બદલવા માટે AAPના 16 ઉમેદવારોને 15 કરોડ રૂપિયા અને મંત્રી પદની ઓફર કરવામાં આવી હોવાના દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના આરોપની તપાસ માટે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મંજૂરી આપ્યા બાદ આ તપાસ શરુ થઈ છે. જોકે, AAP નેતાઓએ અધિકારીઓને અંદર જવા દેવાનો ઇનકાર કર્યો હતો, એમ કહીને કે તેમની પાસે તપાસ કરવાનો કોઈ અધિકાર નથી અને તેઓ ભાજપના પ્રભાવ હેઠળ કામ કરી રહ્યા છે.
ACB એ કેજરીવાલને પૂછ્યા આ પ્રશ્નો
બાદમાં ACB એ અરવિંદ કેજરીવાલને નોટિસ બતાવી અને તપાસ વિશે માહિતી આપી. આમાં, દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને આજે પૂછપરછમાં જોડાવા અને પાંચ પ્રશ્નોના જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.
1- એસીબીએ પાછળથી અરવિંદ કેજરીવાલને પૂછ્યું કે શું લાંચ ઓફર કેસ અંગેની ઓનલાઈન પોસ્ટ (X) તેમણે જ કરી હતી.
2- એસીબીએ 16 ધારાસભ્યોની વિગતો માંગી છે જેમને લાંચની ઓફર કરતા ફોન કોલ્સ આવ્યા હતા.
3- એસીબીએ આરોપોને સમર્થન આપવા માટે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી પાસેથી પુરાવા પણ માંગ્યા છે.
4- એસીબીએ કેજરીવાલ પાસેથી એ વ્યક્તિ વિશે પણ માહિતી માંગી છે જેણે કથિત રીતે AAP ધારાસભ્યોને લાંચની ઓફર કરતા ફોન કર્યા હતા.
5- એસીબીએ દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રીને આપેલી નોટિસમાં કહ્યું છે કે, ‘મીડિયા/સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આવી માહિતી ફેલાવનારાઓ સામે યોગ્ય કાનૂની કાર્યવાહી કેમ ન કરવી જોઈએ, જે દિલ્હીના લોકોમાં ગભરાટ અને અશાંતિનું વાતાવરણ ઊભું કરવા સમાન છે.’
AAP મંત્રીએ નંબર શેર કર્યો
AAPમાંથી પહેલીવાર ધારાસભ્ય બનેલા મુકેશ અહલાવતને અરવિંદ કેજરીવાલે દિલ્હી કેબિનેટમાં સામેલ કર્યા. મુકેશ અહલાવત એ 16 AAP ઉમેદવારોમાં સામેલ છે જેમને ચૂંટણી પરિણામો પહેલા ભાજપ તરફથી પક્ષ બદલવાની ઓફર મળી હોવાના અહેવાલ છે. જોકે, ભાજપે આ આરોપને નકારી કાઢ્યો છે. મુકેશ અહલાવતે એક ફોન નંબર શેર કર્યો હતો જેના પરથી તેમણે દાવો કર્યો હતો કે તેમને ગઈકાલે રાત્રે એક ફોન આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે જો તેઓ AAP છોડીને ભાજપમાં જોડાશે તો તેમને 15 કરોડ રૂપિયા અને મંત્રી પદ આપવામાં આવશે. પરંતુ તેઓએ આગ્રહ રાખ્યો કે તેઓ તેમના નેતાને છોડશે નહીં, ભલે ગમે તેટલો ખર્ચ કરવો પડે.
ECI પર ડેટા શેર ન કરવાનો આરોપ
આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શુક્રવારે ભારતીય ચૂંટણી પંચ (ECI) પર ફોર્મ 17c “અપલોડ કરવાનો ઇનકાર” કરવાનો આરોપ લગાવ્યો. તમને જણાવી દઈએ કે ફોર્મ 17c દિલ્હી વિધાનસભા મતવિસ્તારમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) માં પડેલા કુલ મતોનો ડેટા પ્રદાન કરે છે. “ઘણી વિનંતીઓ છતાં ચૂંટણી પંચે ફોર્મ 17c અને દરેક વિધાનસભામાં દરેક બૂથ દીઠ મતદાન થયેલા મતોની સંખ્યા અપલોડ કરવાનો ઇનકાર કર્યો હોવાનું AAP વડાએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.