Acharya Promod Krishnam પ્રમોદ કૃષ્ણમે સરકારના નિર્ણય પર પ્રતિક્રિયા આપી
Acharya Promod Krishnam પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અને ત્યાર બાદના ઓપરેશન સિંદૂરના પડઘા વચ્ચે, ભારત સરકારે આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિને આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત રીતે રજૂ કરવા માટે સાત સર્વપક્ષીય પ્રતિનિધિમંડળો મુખ્ય ભાગીદાર દેશોમાં મોકલવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયને લઈ રાજકીય વર્તુળમાં ભારે ચર્ચા થઈ રહી છે.
આ પ્રસંગે કોંગ્રેસના પૂર્વ નેતા અને કલ્કિધામ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કેન્દ્રના પ્રયાસની પ્રશંસા કરી છે અને રાહુલ ગાંધી પર કટાક્ષ કરતાં જણાવ્યું કે, “પાકિસ્તાન હવે કોઈ દેશ નથી રહ્યો, તે તો આતંકવાદનું મુખ્ય ઉદ્યોગ બની ગયું છે. શરમની વાત એ છે કે કોંગ્રેસ અને રાહુલ ગાંધી જેવી પાર્ટીઓ પોતાનાં રાજકીય હિત માટે આવા મુદ્દાઓ પર પણ વાંધા ઉઠાવે છે.”
પ્રતિનિધિમંડળમાં શશિ થરૂરનો સમાવેશ – રાજકીય સમરસતા તરફ સંકેત
આચાર્ય પ્રમોદ કૃષ્ણમે વિદેશમાં મોકલાયેલા પ્રતિનિધિમંડળમાં કોંગ્રેસના નેતા શશિ થરૂરના સમાવેશની પણ પ્રશંસા કરતા કહ્યું કે દેશ માટે રાજકીય વિમતિથી ઉપર ઉઠીને આવી કામગીરી કરવી પ્રશંસનીય છે. “આ મહાત્મા ગાંધીના ભારત માટે ઉમદા કૌટીલ્ય નીતિનો દાખલો છે,” એમ તેમણે ઉમેર્યું.
રામગોપાલ યાદવના નિવેદન પર પણ ટકોર
આચાર્ય કૃષ્ણમે સમાજવાદી પાર્ટી અને ખાસ કરીને રામગોપાલ યાદવના નિવેદન અંગે પણ કડક ટકોર કરી હતી. તેમણે કહ્યું, “યાદવ વિદ્વાન વ્યક્તિ છે, પરંતુ તેમની ભાષા દ્વારા જે રીતે દેશની દીકરીઓનું અપમાન થયું છે, તે દુઃખદ અને નિંદનીય છે.”
વિશ્વ સમક્ષ ભારતનું મક્કમ વલણ
કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ માત્ર રાજકીય પ્રતિનિધિત્વ પૂરતું નથી, પરંતુ ભારતની એકજૂટતા અને આતંકવાદ વિરુદ્ધ મક્કમ વલણનું પ્રતીક છે. વિવિધ પક્ષોના નેતાઓને સામેલ કરીને, ભારત વિશ્વ મંચ પર એકતા અને દ્રઢ સંકલ્પનો સંદેશ આપી રહ્યું છે.