વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ માસની આખરે સાઉદી અરેબિયાની મુલાકાતે જશે એવી માહિતી મળી હતી. જો કે આ અંગે હજુ સરકાર કક્ષાએ કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તાજેતરમાં ગાંધી જયંતીના દિવસે બીજી ઓક્ટોબરે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સાઉદી અરેબિયાની મુલાકાતે જઇ આવ્યા. તેમણે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ કયાં કારણોથી ભારત સરકારે રદ કરી એ બાબત પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સાથે વિગતવાર ચર્ચા કરી હતી. ઉપરાંત બીજા પણ દ્વિપક્ષી મુદ્દાઓ ચર્ચાયા હતા.
પાકિસ્તાન પણ પહોંચ્યું હતું પ્રિન્સ પાસે
અત્રે એ યાદ રહે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને પણ સાઉદી અરેબિયાની મુલાકાત લઇને પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન પાસે આર્થિક મદદ માગી હતી. પ્રિન્સે થોડીક મદદ કરી પણ ખરી. જો કે સાથોસાથ પ્રિન્સે પાકિસ્તાનને કશ્મીર મુદ્દે ભારત સાથે સંઘર્ષ નહીં કરવાની સલાહ પણ આપી હતી.
શા માટે મોદી જઈ રહ્યાં છે સાઉદી અરેબિયા?
29થી 31 ઓક્ટોબર સુધી સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં ઇન્વેસ્ટમેન્ટ શિખર પરિષદ યોજાવાની છે. સાઉદી અરેબિયામાં આ માસની આખરે 29થી 31 ઓક્ટોબર વચ્ચે ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ યોજાવાની છે. આ પ્રસંગે વડા પ્રધાન પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત પણ કરશે.
બીજી વખત લઈ રહ્યાં છે મુલાકાત
સાઉદી અરેબિયાની વડા પ્રધાન દ્વારા લેવાઇ રહેલી આ મુલાકાત બીજી વારની હશે. આ પહેલાં તેમણે 2016માં સાઉદી અરેબિયાની મુલાકાત લીધી હતી. એ પ્રસંગે તેમને સાઉદી અરેબિયાએ પોતાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કર્યું હતું. પ્રિન્સ મુહમ્મદ બિન સલમાન આ વર્ષના ફેબ્રુઆરીમાં ભારતની મુલાકાતે આવ્યા હતા.