Operation Sindoor: ઓપરેશન સિંદૂર પછી, કંઈક મોટું થશે!.. પાકિસ્તાનમાં ગભરાટ
Operation Sindoor ભારત સરકારે 6-7 મેની રાત્રે એક વ્યૂહાત્મક અને નિખાલસ મિસાઇલ ઓપરેશન હાથ ધર્યું, જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) અને પાકિસ્તાનના પંજાબ વિસ્તારમાં આવેલા 9 મોટા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા. આ હુમલામાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા દહેશતવાદી સંગઠનોના લગભગ 100 થી વધુ આતંકીઓના મોત નીપજ્યા હોવાની માહિતી સામે આવી છે.
ઓપરેશન સિંદૂર ભારતીય સેનાની સેના, વાયુસેના અને નૌકાદળની સંયુક્ત કાર્યક્ષમતાનું પરિબિંબ છે. રાત્રિના અંધારામાં યોજાયેલા આ સર્જિકલ મિસાઇલ હુમલાઓમાં જે ઠેકાણા નિશાન પર લીધા, તેને પહેલા જ ગુપ્તચર એજન્સીઓ દ્વારા ઓળખી લેવામાં આવ્યા હતા. આ હુમલાની અસર એટલી ઊંડી હતી કે પાકિસ્તાનની અંદર ખળભળાટ મચી ગયો છે.
હૂમલાની ગંભીરતાને ધ્યાને લેતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાનો યુરોપ પ્રવાસ તાત્કાલિક મુલતવી રાખી દીધો છે. નોર્વે, નેધરલેન્ડ અને ક્રોએશિયા સાથેની બેઠક પણ રદ થઈ ગઈ છે, જે સ્પષ્ટ કરે છે કે સરકારનું સંપૂર્ણ ધ્યાન હાલમાં રાષ્ટ્રીય સુરક્ષા પર કેન્દ્રિત છે.
મહત્વપૂર્ણ છે કે, ગૃહ મંત્રાલયે તમામ અર્ધલશ્કરી દળોની રજા રદ કરી દીધી છે અને સરહદ પર હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. BSF, CRPF, ITBP સહિતના દળો જમ્મુ-કાશ્મીર, પંજાબ અને રાજસ્થાનમાં તૈનાત કરવામાં આવ્યા છે. રેલવે સ્ટેશનો, એરપોર્ટ અને અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં પણ સુરક્ષા વધારવામાં આવી છે.
અહેવાલ મુજબ, ઓપરેશનમાં મસૂદ અઝહરના પુત્ર હુઝૈફાનું મૃત્યુ થયું છે, જ્યારે તેમના ભાઈ રઉફ અસગર ગંભીર રીતે ઘાયલ થયા છે. ઓપરેશન દરમિયાન જૈશના મદરેસા પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.
ભારત તરફથી સ્પષ્ટ સંદેશો આપવામાં આવ્યો છે કે આ કાર્યવાહી માત્ર આતંકવાદ સામે હતી અને કોઇ પણ સાર્વભૌમ રાષ્ટ્રના વિરુદ્ધ નહોતી. ભૂતપૂર્વ આર્મી ચીફ મનોજ મુકુંદ નરવણેના જણાવ્યા મુજબ હજુ સુધી તમામ વિગતો જાહેર થઈ નથી, જે સંકેત આપે છે કે ભવિષ્યમાં વધુ પગલાં શક્ય છે.