Pooja Khedkar : મહારાષ્ટ્રની વિવાદાસ્પદ ટ્રેઇની IAS ઓફિસર પૂજા ખેડકરની મુસીબતો સતત વધી રહી છે. પુણે ગ્રામીણ પોલીસે પૂજાની માતા મનોરમા ખેડકર અને પિતા દિલીપ ખેડકર સહિત અન્ય પાંચ વિરુદ્ધ FIR નોંધી છે. મનોરમા સામે ખેડૂતને પિસ્તોલથી ધમકાવવાનો કેસ નોંધવામાં આવ્યો છે.
સ્થાનિક ખેડૂતની ફરિયાદના આધારે પૌડ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. ખેડૂતે આરોપ લગાવ્યો કે મનોરમા ખેડકર દ્વારા તેને ધમકી આપવામાં આવી હતી.
આર્મ્સ એક્ટ હેઠળ આરોપો
પૌડ પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ યાદવે જણાવ્યું કે આઈપીસીની કલમ 323, 504, 506 હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. મનોરમ ખેડકર પર આર્મ્સ એક્ટ હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
મનોરમાનો પિસ્તોલ હલાવવાનો વીડિયો વાયરલ થયો છે
વાસ્તવમાં એક વીડિયો વાયરલ થયો છે, જેમાં મનોરમા પિસ્તોલ ચલાવીને ખેડૂતોને ધમકાવતી જોવા મળી રહી છે. આ મામલો પુણેના મુલશી તાલુકાના ધડાવલી ગામનો છે જ્યાં પૂજાના પિતા દિલીપ ખેડકરે જમીન ખરીદી છે. તમને જણાવી દઈએ કે પૂજા ખેડકરના પિતા પણ એક રિટાયર્ડ ઓફિસર છે અને તેમણે રાજકારણમાં હાથ અજમાવ્યો છે.