એક સમયે ગુજરાતમાં વાયુ ચક્રવાતના કારણે મેઘરાજા મહેરબાન નહીં રહે તેવી વાતો થતી હતી, પણ ત્યારબાદ મેઘરાજાએ ધમધોકાર બેટીંગ કરી ગુજરાતને પાણી પાણી કરી નાખ્યું. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એક એવો વિસ્તાર રહ્યો જ્યાં શરૂઆતથી જ મેઘમહેરની જગ્યાએ મેઘકહેર થઈ.
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. તો વડોદરામાં બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બીજી તરફ મગરો પણ વિશ્વામિત્રી નદીમાંથી વડોદરાના શહેરમાં આવી ગઈ હતી. જેના કારણે વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા.
સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એટલો વરસાદ તો પડ્યો જ કે વાવણી થઈ શકે, તો વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરી વરસાદી પાણીનો સંગ્રહ પણ ખેડૂતો કરતા થયા હોવાથી સિંચાઈની સમસ્યાનું સોલ્યુશન આપ મહેનતે જ લાવી દીધું. ગુજરાતના સૌથી મોટા મહાનગર અમદાવાદમાં પણ શરૂઆતમાં મેઘરાજા રિઝાયા નહીં પણ બાદમાં અમદાવાદ પર પણ મહેર બનીને વરસાદ વરસ્યો હતો.
બે દિવસથી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે અને હવે ફરી એક વખત ભારે વરસાદની હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસમાં ભારે વરસાદની આગાહી કરી છે. પૂર્વ મધ્ય ગુજરાત. દક્ષિણ ગુજરાત. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 થી 5 સપ્ટેમ્બરના ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.