દેશની પ્રથમ ખાનગી ટ્રેન તેજસ એક્સપ્રેસ લખનઉથી નવી દિલ્હી વચ્ચે શરૂ કરી દેવાઈ છે. જ્યારે બીજી ટ્રેન અમદાવાદથી મુંબઈ વચ્ચે શરૂ કરવાની હતી, જેના માટે રેક (કોચ) પણ દોઢ મહિના પહેલા અમદાવાદ યાર્ડમાં આવી પહોંચ્યા છે. પરંતુ ટ્રેન માટે જરૂરી સ્ટાફની ભરતી પ્રક્રિયા બાકી હોવાથી હજુ આ ટ્રેન શરૂ કરી શકાઈ નથી. અગાઉ આ ટ્રેન નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. હવે આ ટ્રેન ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા છે.
ટ્રેન શરૂ કરવા માટે કોચ દોઢ મહિના પહેલા અમદાવાદ આવી પહોંચ્યા હતાં. પરંતુ ટ્રેન શરૂ કરવાના સમયે મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓને પગલે આચાર સંહિતા લાગુ થઈ જતા ટ્રેન શરૂ કરી શકાઈ ન હતી. ચૂંટણી પૂર્ણ થયા બાદ આ ટ્રેન નવેમ્બરના પ્રથમ સપ્તાહમાં શરૂ થાય તેવી શક્યતા IRCTCના અધિકારીઓએ વ્યક્ત કરી હતી.
કોઈ સમસ્યા ન થાય તેની ખાતરી રખાશે
અમદાવાદ મુંબઈ રૂટ પર તેજસ ટ્રેન માટે જરૂરી કેટરિંગ સહિત અન્ય સ્ટાફની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. લખનઉ – નવી દિલ્હી તેજસના સંચાલનમાં પડેલી સમસ્યાનો પણ અભ્યાસ ચાલે છે. જેથી અમદાવાદની ટ્રેનમાં તે નિવારી શકાય.