વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ આરકેએસ ભદૌરિયાએ સોમવારે સ્પષ્ટ કહી દીધું છે કે ભવિષ્યના કોઈપણ યુદ્ધમાં એરફોર્સ જીત અપાવવા માટે તેઓ મહત્ત્વની ભૂમિકા નિભાવશે. તેમણે કહ્યું છે કે હાલના સમયમાં પડોશી દેશો તરફથી વધી રહેલાં જોખમને ધ્યાનમાં રાખીને આપણે યુદ્ધના દરેક મોરચે પૂરી ક્ષમતા સાથે લડવાની જરૂર છે. હું વિશ્વાસ અપાવું છું કે ઓપરેશનલી આપણે બેસ્ટ છીએ. લદાખમાં તહેનાતી વિશેના એક સવાલના જવાબમાં એરફોર્સ ચીફે કહ્યું, અમે જરૂરી દરેક ઓપરેશનલ લોકેશન પર જવાન તહેનાત કર્યા છે. અમે કોઈપણ પડકારનો ઉકેલ લાવવા માટે મજબૂતીથી જવાનોને તહેનાત કર્યા છે. અમારી પોઝિશન સારી છે અને તેમાં જો વિવાદ ઊભો થશે તો અમે ચીનને જડબાતોડ જવાબ આપીશું. ભદૌરિયાના જણાવ્યા પ્રમાણે, વાયુસેના કોઈપણ વિવાદને પડકાર આપવા માટે તૈયાર છે. જો બે મોરચે પણ યુદ્ધ થતું હશે તો અમે એ સ્થિતિમાં પણ યુદ્ધ લડવા માટે તૈયાર છીએ. અમે યોગ્ય સમયે રાફેલ, અપાચે અને ચિનૂકને ઓપરેશનમાં સામેલ કર્યાં છે અને એને પોતાના ઓપરેશન કોન્સેપ્ટ સાથે જોડ્યાં છે. આગામી ત્રણ વર્ષમાં રાફેલ અને એલસીએ માર્ક સ્ક્વોડ્રન તેમની પૂરી ક્ષમતા સાથે ઓપરેટ કરશે અને એની સાથે એડિશનલ મિગ-29 પણ સામેલ થશે, જેનો ઓર્ડર આપવામાં આવ્યો છે. અમે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટમાં વિશ્વાસ દર્શાવ્યો છે કે આગામી 5 વર્ષમાં અમે 83 એલએસી માર્ક 1Aને સામેલ કરવાની શરૂઆત કરીશું.